• રવિવાર, 28 એપ્રિલ, 2024

કેજરીવાલને ખાલિસ્તાનીઓ પાસેથી 133 કરોડ મળ્યા?

દિલ્હી દરબાર : દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ જેલમાં બેઠાં બેઠાં દિલ્હી સરકાર ચલાવવાનું નાટક કરી રહ્યા છે ત્યારે અમેરિકી સરકારના પ્રવક્તાએ વૉશિંગ્ટનમાં કહ્યું છે કે અમે કેજરીવાલની ધરપકડ પછીની કાનૂની પ્રક્રિયા ઉપર ઝીણવટભરી નજર રાખી રહ્યા છીએ. ન્યાય પ્રક્રિયા યોગ્ય અને મુક્ત હોવી જોઈએ એમ અમે માનીએ છીએ... અમેરિકાથી પહેલાં જર્મનીએ પણ આવું નિવેદન કર્યું છે - હવે બ્રિટન અને ફ્રાન્સ જ્યાં ખાલિસ્તાનવાદીઓ સક્રિય છે અને વૉટ બૅન્ક  જમાવી છે - આવાં નિવેદન કરશે? ભારત સરકારની દૃઢ અને રાષ્ટ્રીયહિતની વિદેશનીતિનો પરિચય અને પરચો પશ્ચિમી દેશોને મળ્યો છે છતાં આવી સૂફિયાણી સલાહ - અથવા `ગીધડ ધમકી' આપી રહ્યા છે. જગત જમાદારી અને દુનિયાને લોકશાહીના પાઠ ભણાવતા દેશોની લોકશાહી ખુદ ત્યાંના નાગરિકોએ જોઈ છે. હકીકતમાં અમેરિકાએ કહેવું જોઈએ કે ભારતની લોકશાહી અને ન્યાયતંત્ર ઉપર અમને પૂર્ણ વિશ્વાસ છે કે `ફેર અને ફ્રી' છે! દિલ્હી હાઈ કોર્ટમાં કેજરીવાલના કેસની સુનાવણીની પૂર્વ સંધ્યાએ અમેરિકાનું નિવેદન આવ્યું તે સૂચક છે. શું ભારતીય ન્યાય તંત્રને સલાહ આપવાની ચેષ્ટા છે? બીજી મહત્ત્વની બાબત - ભારતમાં જે પ્રતિબંધિત - જસ્ટીસ ફોર શીખ્સ છે તેણે 2014માં કેજરીવાલને 16 મિલિયન ડૉલર (રૂા. 133 કરોડ) આપ્યા હતા. દિલ્હીમાં 1993માં બૉમ્બ બ્લાસ્ટના કેસમાં પકડાયેલા દેવીંદરપાલ સિંઘ ભુલ્લડ જન્મકેદની સજા ભોગવી રહ્યો છે તેને છોડાવવા માટે કેજરીવાલને - ન્યૂ યોર્કના ગુરુદ્વારા રીચમન્ડ હિલ્સ ખાતે જંગી રકમ આપવામાં આવી હતી એવો દાવો કરવામાં આવ્યો છે. ખાલિસ્તાનવાદી સંસ્થાના વડા ગુરૂપંત વંતસિંઘ પન્નુએ વિડિયોમાં દાવો - પ્રથમ વખત કર્યો છે. કેજરીવાલ હવે કેવો ખુલાસો કરશે? એમના પક્ષના અન્ય નેતાઓ કાંઈ બોલે નહીં. તે સ્વાભાવિક છે. પણ કેજરીવાલના કાવતરાંની તપાસ પણ થઈ છે અને સાંયોગિક પુરાવા પણ છે. પન્નુ કહે છે નાણાં લઈને કેજરીવાલે વચન પાળ્યું નથી - ભુલ્લડને છોડાવ્યો નથી. પણ 2014માં કેજરીવાલે તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને પત્ર લખીને ભુલ્લડને માફી બક્ષવાની ભલામણ કરી હતી - કેજરીવાલ ઈનકાર કરી શકે? પત્રનો પુરાવો રેકોર્ડ ઉપર છે. પછી વર્ષે જાન્યુઆરીમાં દિલ્હી સરકારના - સજા રિવ્યુ બોર્ડ સમક્ષ અરજી આવી પણ બોર્ડનો અભિપ્રાય હતો કે આવો અપરાધી કદી સુધરે નહીં અને પોલીસે પણ કહ્યું - ફરીથી આતંકવાદી હુમલા કરશે! ભુલ્લડને વર્ષ 2001માં મોતની સજા થઈ હતી પણ સુપ્રીમ કોર્ટે ઘટાડીને જન્મકેદની કરી હતી. છેલ્લાં પચીસ વર્ષથી જેલવાસ ભોગવે છે. દિલ્હી રિવ્યુ બોર્ડના અધ્યક્ષ - રાજ્યના પ્રધાન કૈલાશ ગેહલોત છે - નોંધપાત્ર છે કે અત્યારે કેજરીવાલની ધરપકડ પછી ગેહલોત જાહેરમાં આવ્યા નથી! બીજો મુદ્દો છે કે ખાલિસ્તાનવાદીએ બૉમ્બ બ્લાસ્ટ અત્યારે કેમ કર્યો? દસ વર્ષ સુધી આતંકવાદી છૂટવાની આશા હતી? હવે કેજરીવાલની ધરપકડ પછી આશા ઉપર પાણી ફરી વળ્યું - તેથી કેજરીવાલને ધમકી આપી રહ્યા છે? નાટક છે? અરવિંદ કેજરીવાલ આજે અદાલતમાં શરાબ - જકાત કૌભાંડમાં મોટી જાહેરાત - પુરાવા સાથે કરનાર છે એમ એમનાં પત્નીએ વીડિયો પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું છે. કેજરીવાલ વતી એમના વકીલ અભિષેક મનુ સિંઘવીએ હાઈ કોર્ટમાં જામીન અરજી કરી હતી જેનો અસ્વીકાર થયો છે. હવે ઈડીની વિશેષ અદાલતમાં આજે સુનાવણી થાય ત્યારે `મોટો ધડાકો' કરનાર છે - શક્ય છે કે અરવિંદ કેજરીવાલ ઈડી ઉપર રાજકીય આક્ષેપ કરશે કે દરોડામાં ફૂટી કોડી મળી નથી પણ આમ આદમી પાર્ટીને બદનામ કરવા માટે મારી ધરપકડ થઈ છે. જામીન નહીં મળવાથી કેજરીવાલ રામલીલા મેદાનની મહારેલીમાં હાજરી આપી નહીં શકે - પણ અદાલતમાં જે `ધડાકો' કરે તેના પડઘા રામલીલામાં પડશે એમ લાગે છે. દરમિયાન, બીજો વિવાદ પણ ઊભો છે. ખાલિસ્તાનીઓ પાસેથી એમણે મેળવેલા રૂા. 133 કરોડનો અહેવાલ ચર્ચામાં છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang