• શનિવાર, 11 મે, 2024

`દેશમાં 45 વર્ષની સૌથી વધુ બેરોજગારી'

સુરત તા. 27 (અમારા પ્રતિનિધિ તરફથી) : 45 વર્ષની સૌથી વધુ બેરોજગારી દેશમાં કેન્દ્રની મોદી સરકારના કાર્યકાળમાં છે. યુવાઓ પાસે નોકરી નથી અને સરકાર ગેરંટીની વાતો કરી લોકોને ભ્રામિત કરી રહી છે. મોદી સરકાર જૂઠ્ઠાણાં ચલાવવામાં હોંશિયાર છે. મતદારો આવા જૂઠ્ઠાણાં અને અપપ્રચારથી દૂરી રહી કોંગ્રેસમાં વિશ્વાસ રાખે તેવી અપીલ વલસાડના ધરમપૂરની ચૂંટણી સભામાં સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધી વાડરાએ આજે કહ્યું હતું. જેમ-જેમ રાજ્યમાં લોકસભાની ચૂંટણીનો મતદાનનો દિવસ નજીક આવી રહ્યો છે તેમ-તેમ ચૂંટણી પ્રચાર આક્રમક બની રહ્યો છે. આજે દક્ષિણ ગુજરાતના વલસાડ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ માટે મત મેળવવા પ્રિયંકા આવી પહોંચ્યા હતા. સુરત એરપોર્ટ પર હેલિકોપ્ટરમાં ખામી સર્જાતા સુરતથી ધરમપુરના દરબારગઢ મેદાન સુધીનું અંતર તેમણે કારમાં કાપ્યું હતું. ભારે ગરમીના કારણે ધરમપૂરમાં સવારે દસ કલાકે સભાનું આયોજન કરાયું હતું. પરંતુ, પ્રિયંકાને આવવામાં મોડું થતાં સભા થોડી મોડી શરૂ થઈ હતી. ભારે ગરમીમાં આદિવાસીમાં વિસ્તારમાં આયોજિત ચૂંટણી સભામાં લોકો ઉમટી પડતા પ્રિયંકાએ લોકોનો આભાર માન્યો હતો અને આદિવાસી લોકોની જમીન મોદી સરકારના રાજમાં છીનવાઈ હોવાનો આક્ષેપ શાસકપક્ષ તરફ કર્યો હતો. પ્રિયંકાએ દાદી ઈન્દીરા ગાંધીની સ્મૃતિઓ વાગોળતા આદિવાસીઓ માટેનો તેમનો પ્રેમ યાદ કર્યો હતો. તેમણે મોદી સરકાર પર આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે, હાલની કેન્દ્ર સરકાર સૌથી વધુ દંભી અને જૂઠ્ઠાણા ચલાવનાર છે. મોદી સરકાર વિકાસના જૂઠ્ઠાણા ચલાવી લોકોને ગૂમરાહ કરી રહી છે. વાસ્તવિકતા તો છે કે, 45 વર્ષમાં ક્યારેય હોય તેવી બેરોજગારી અત્યારે દેશમાં છે. દેશનો યુવા રોજગારી ઇચ્છે છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang