• શનિવાર, 11 મે, 2024

રુદ્રાણી શક્તિધામમાં વિકાસકામો પૂર્ણતાના આરે

ભુજ, તા. 27 : પાટનગરની ઉત્તરાદે ખાવડા માર્ગે આવેલું પુરાણ-પ્રસિદ્ધ મહારુદ્રાણી શક્તિધામ નવી ઊભી કરાયેલી સવલતોથી આગામી દિવસોમાં માઇભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. ગુજરાત રાજ્ય તીર્થ યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રૂા. ત્રણ?કરોડના ખર્ચે શક્તિધામમાં?શરૂ?કરાયેલા વિકાસનાં કામ હવે પૂર્ણતા તરફ?આગળ વધી રહ્યાં છે. મહારુદ્રાણી ધામમાં અન્નપૂર્ણા ઘર, સત્સંગ હોલ, આવાસ-ઉતારા, મહંત નિવાસ, ઓટલા સહિતનાં કામ સંપન્ન થયા પછી અત્યારે પરિસરમાં ઇન્ટરલોક પાથવરવાનું કામ પ્રગતિમાં છે. ઉપરાંત નાનાં બાળકો  માટેનાં  મનોરંજનના તમામ સાધનો ફિટ કરી દેવાયાં છે,  માત્ર ખુલ્લા મૂકવાનાં  બાકી છે. રાજાશાહી વખતમાં નિર્માણ પામેલા અને કચ્છના મોટા ડેમો પૈકીના એક ડેમના સમીપે આવેલ શક્તિધામના યુવા મહંત લાલગિરિ બાપુએ થતાં વિકાસનાં કામોથી પોતાનો રાજીપો વ્યક્ત કરીને કહ્યું કે, તીર્થધામોના વિકાસમાં સરકાર દ્વારા મળતા સહયોગથી નવી ચેતનાનો સંચાર થાય છે. લોકોમાં આધ્યાત્મિકતાના સથવારે સુસંસ્કારનો જીવનમાં સંચાર થાય છે. કુદરતનું ભરપૂર સૌંદર્ય ધરાવતા શક્તિધામમાં શિક્ષણ અને જીવદયાની થતી સેવાથી ધામનો મહિમા પણ અનેકગણો છે. ઘટાદાર વૃક્ષોની શીતળ છાયામાં નવા બનેલા ઓટલાએ પરિસરને નયનરમ્ય બનાવી દીધા છે. નવરાત્રિ-ગુરુપૂર્ણિમા સહિતના કાર્યક્રમની ઉજવણી શક્તિધામમાં વિશેષ રીતે થતી હોવાથી થયેલા વિકાસકામથી ધામમાં આવતા માઇભક્તોની સુવિધાઓમાં અનેકગણો વધારો થયો છે તેવું મહંત લાલગિરિ બાપુએ જણાવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang