• શનિવાર, 11 મે, 2024

રૂા. 230 કરોડનું એમ.ડી. ડ્રગ્સ ઝડપાયું

અમદાવાદ, તા. 27 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાત એટીએસ અને એનસીબીએ આજે રાજસ્થાન અને ગુજરાતમાં વિવિધ સ્થળોએ દરોડા કરીને રૂા. 230 કરોડની કિંમતનું 22.028 કિગ્રા એમડી ડ્રગ્સ જપ્ત કર્યું છે. ગત રાત્રે ગુજરાત એટીએસ અને એનસીબીની સંયુક્ત ટીમ દ્વારા ગુજરાત અને રાજસ્થાનમાં વિવિધ જગ્યાઓએ દરોડા કરીને 22.028 કિગ્રા મેફેડ્રોન (એમડી) આશરે 12 લિટર લિક્વિડ મેફેડ્રોન, સ્લરી જપ્ત કર્યા હતા, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત રૂા. 230 કરોડથી વધુની થાય છે. તમામ ડ્રગ્સ અને સાધનો જપ્ત કરીને કુલ 13 જેટલા ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે. ગુજરાત પોલીસ દ્વારા મળેલી બાતમીને આધારે છેલ્લા કેટલાય વખતથી નાર્કોટિક્સ, આર્મ્સ વગેરે જેવા ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ પર નજર રાખવામાં આવી હતી. પોલીસને બાતમી મળી હતી કે થલતેજના મનોહરલાલ કે. ઐનાની અને મૂળ રાજસ્થાનના અને ગાંધીનગરના રહેવાસી કુલદીપાસિંઘ રાજપૂરોહિત તેના સાથીદારો સાથે ગુજરાત તથા રાજસ્થાનમાં કેટલીક જગ્યાએ મેફેડ્રોનનું વેચાણ કરી રહ્યા છે. તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, ઉપરોક્ત બન્ને શખ્સ હાલમાં ગુજરાતના ગાંધીનગર, અમરેલી અને રાજસ્થાનના ભિન્નમાલ તથા ઓશિયા જોધપર ખાતે મેફેડ્રોન બનાવી વેચાણ કરતા હતા, જેના પરિણામે ગુજરાત અને રાજસ્થાનમાં વિવિધ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા. ઉપરોક્ત મુદ્દામાલ સિવાય ચાર ફેક્ટરી તથા મેન્યુફેક્ચરિંગ ઇક્વિપમેન્ટ પણ જપ્ત કરવામાં આવ્યા હતા. એટીએસ તેમજ નાર્કોટિક્સ દ્વારા મુખ્ય સૂત્રધાર મનોહરલાલ ઐનાનીની શિરોહી ખાતેની ફેક્ટરીમાં ત્રાટકીને 15 કિગ્રા એમડી ડ્રગ્સ અને 100 કિગ્રા સ્લરી જપ્ત કરવામાં આવ્યા હતા. તે સિવાય ચાર ઇસમ રંગારામ મેઘવાલ, બજરંગલાલ બિશ્નોઇ (બન્ને રાજસ્થાનના), નરેશ મકવાણા અને કનૈલાલાલ ગોહિલ (બન્ને અમદાવાદના)ને પકડી પાડવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, મુખ્ય સૂત્રધાર મનોહરલાલ ઐનાની 2015માં ડીઆરઆઇ દ્વારા આબુમાંથી ઝડપાયેલ 279 ડ્રગ્સ સિઝર કેસમાં પણ મુખ્ય આરોપી હતો અને સાત વર્ષની સજા પણ ભોગવી હતી. ઉપરાંત ગાંધીનગરના પીપળજ ગામે આવેલ એક રહેણાક મકાનમાં ગેરકાયદેસર રીતે ચાલતી ફેક્ટરીમાં દરોડો પાડીને પાંચ ઇસમ કુલદીપાસિંઘ રાજપૂરોહિત (ગાંધીનગર), બનાસકાંઠાના  રીતેશ દવે, વલસાડના હરીષ સોલંકી, રાજસ્થાનના દીપક સોલંકી, શિવરતન અગ્રવાલ પાસેથી 476 ગ્રામ મેફેડ્રોન, 16.946 લિટર લિક્વિડ સ્લરી જપ્ત કરવામાં આવ્યા છે. મકાન છેલ્લા બે મહિનાથી ભાડે આપ્યું હોવાનું સામે આવ્યું છે. તે મકાનનો માલિક નંદુભા પોપટજી વાઘેલા હોવાનો ખુલાસો થયો છે. મકાન પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મળ્યું હતું. મકાન ગામના એક યુવકે ઓળખ કરી ભાડે અપાવ્યું હતું. જ્યાં રાજસ્થાનના બે યુવકની સતત અવરજવર રહેતી હતી. ડોક્ટરનાં નામે ઓળખાતો એક શખ્સ ડ્રગ્સ બનાવતો હતો.  વધુમાં ગુજરાત એટીએસ દ્વારા રાજસ્થાનના ઓશિયા ગામમાં કરવામાં આવેલી રેડમાં કેટલાક કેમિકલ અને મેન્યુફેક્ચરિંગ ઇક્વિપમેન્ટ મળી આવ્યા છે. જે કેમિકલની ઓળખ કરવામાં આવી રહી છે, જ્યાંથી રામ પ્રતાપ કેશુરામ નામના ઇસમની ધરપકડ કરવામાં આવી છે. સિવાય તપાસ દરમિયાન એસઓજીને સાથે રાખીને સૌરાષ્ટ્રમાં અમરેલીમાં તિરુપતિ કેમ ટેકમાં પણ દરોડો પાડયો હતો, જ્યાંથી 6.5 કિગ્રા પ્રોસેસ્ડ એમડી ડ્રગ તથા ચાર લિટર સ્લરી જપ્ત કરવાં આવ્યા છે. તે સ્થળેથી અમરેલી અને સાવરકુંડલાના બે ઇસમ અનુક્રમે નીતિન કાબરિયા અને કિરીટ માદલિયાને પકડી પાડવામાં આવ્યા છે. ફેક્ટરીમાં કેટલા સમયથી ડ્રગ્સ બનાવવામાં આવી રહ્યું હતું અને ક્યાં સપ્લાય કરવાનું હતું તેની એટીએસે પૂછપરછ હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang