• રવિવાર, 28 એપ્રિલ, 2024

મોસ્કોમાં આતંકી હુમલો

આતંકવાદના અસુરે ફરી એક વખત પોતાનું પોત પ્રકાશ્યું છે. વખતે રશિયાની રાજધાની મોસ્કોમાં સંગીતના એક મોટા હોલને નિશાન બનાવીને 133 નિર્દોષ લોકોને ઠાર મારવાના બનાવે આતંકવાદે માનવતાની સામેના લોહિયાળ પડકારને વધુ એક વખત છતો કર્યો છે. બનાવ અંગે દુનિયાભરમાં કુખ્યાત આતંકી સંગઠન આઇએસ દ્વારા તેની સમાચાર સંસ્થા અમાક વાટે હુમલાની જવાબદારી લીધી છે. રશિયાની પોલીસ અને સલામતી એજન્સીઓએ ત્વરિત કાર્યવાહી કરીને હુમલામાં સીધી રીતે સંડોવાયેલા ચાર હુમલાખોર સહિત 11 જણાને ઝડપી પણ લીધા છે. સીરિયામાં રશિયાએ ત્યાંના રાષ્ટ્રપતિ અસદને જે રીતે બધી રીતે સહાયતા કરી તેનાથી આઇએસને ભારે નુકસાન ઉઠાવવું પડયું છે.  આઇએસના આતંકીઓને કારણસર રશિયા સામે વાંધો રહ્યો છે. વાંધો હુમલામાં પરિણમ્યો હોય એવું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકાની ગુપ્તચર એજન્સીઓએ રશિયા સાથેની દુશ્મનાવટને કોરાણે મૂકીને હુમલાની આગોતરી બાતમી મોસ્કોને આપી હતી. અમેરિકાની બાતમી પરથી રશિયાની સલામતી એજન્સીઓ આગોતરી કાર્યવાહી કરી શકી હતી, પણ હુમલાની તુરત બાદ રશિયાની પોલીસે તમામ આતંકીઓને ઝડપી લીધા છે. દાયકાઓ બાદ રશિયામાં આવો આતંકી હુમલો થયો છે. અગાઉ એક સિનેમાગૃહ પર આતંકીઓએ હુમલો કરીને અમુક દર્શકોને બાનમાં લીધા હતા, પરંતુ આવા બનાવોમાં કડક કાર્યવાહીની નીતિ ધરાવતાં રશિયાનાં દળોએ વળતી કાર્યવાહીમાં આતંકીઓને ઠાર કર્યા હતા. જો કે, તેમાં અમુક બાનનાં મોત પણ થયાં હતાં. તે સમયે પુતિને નીતિનો બચાવ કર્યો હતો. મોસ્કોના હુમલાએ દુનિયાની સામે ઇસ્લામિક આતંકવાદનો પડકાર વધુ એક વખત છતો કર્યો છે, તેની સાથોસાથ આવાં કૃત્યોની સામે વૈશ્વિક સ્તરે સંકલનની અનિવાર્યતાની જરૂરત પણ છતી થઇ છે. મોસ્કોના હુમલાખોરો ઝડપાઇ ગયા બાદ પુતિન સરકારે તમામ યુક્રેનથી આવ્યા હોવાનો દાવો કરીને બદલામાં વળતી કાર્યવાહીનો હુંકાર કર્યો છે. કિવે જો કે, હુમલા સાથે તેનો સંબંધ હોવાની તત્કાળ સ્પષ્ટતા પણ કરી છે. સ્પષ્ટતા છતાં મોસ્કોના આતંકી હુમલાની આઇએસની સામે નક્કર કાર્યવાહી થાય ત્યારે ખરી, પણ હાલની તકે પુતિન યુક્રેન પરના હુમલાને વધુ ખોફનાક બનાવે એવી ભીતિ વિશ્વમાં જાગી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang