• મંગળવાર, 07 મે, 2024

ઈવીએમની વિશ્વસનીયતા પર સુપ્રીમની મહોર

નવી દિલ્હી, તા. 26 : દેશની 18મી લોકસભા ચૂંટણી જીતી લેવા માટે રાજકીય પક્ષોમાં જામેલા ખરાખરીના જંગ વચ્ચે દેશની સર્વોચ્ચ અદાલતે શુક્રવારે મહત્ત્વપૂર્ણ ફેંસલા આપ્યા હતા. સુપ્રીમ કોર્ટે ઈવીએમની વિશ્વસનીયતા સામે સતત ઉઠાવાતી રહેલી આંગળીઓને આજે નીચી પાડી દેતાં ઈલેકટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ) અને વોટર વેરિફાયેબલ પેપેર ઓડિટ ટ્રેલ (વીવીપેટ)ની સ્લિપના 100 ટકા ક્રોસ ચેકિંગ એટલે કે મેળાપક કરવાની માંગ કરતી અરજીઓ ફગાવી દીધી હતી, તો સાથોસાથ બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગનો પણ અસ્વીકાર કરી દીધો હતો. ઈવીએમ સાથે ચેડાંની આશંકાઓને ફગાવી દેતાં સુપ્રીમ કોર્ટે ઈવીએમને `સુરક્ષિત' અને `ટેમ્પરપ્રૂફ' એટલે કે, ચેડાં કરી શકાય તેવા લેખાવ્યા હતા. અન્ય એક મોટા ચુકાદામાં ટોચની અદાલતે ઈવીએમના ઉપયોગના 42 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર તપાસનો રસ્તો ખોલી નાખ્યો હતો. સાથે ઈવીએમને ક્લીનચીટ પણ આપી હતી. કોઈ ઉમેદવાર ફરિયાદ કરે તો તેને ધ્યાને લેતાં ઈવીએમની તપાસ કરાશે, તેવું ન્યાયમૂર્તિ દીપાંકર દત્તા અને સંજીવ ખન્નાની ખંડપીઠે એક મત સાથે શુક્રવારે સુનાવણીમાં જણાવ્યું હતું.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, સર્વોચ્ચ અદાલતનો ફેંસલો વિપક્ષના મોઢાં પર સજ્જડ તમાચો છે. વિપક્ષે દેશની માફી માગવી જોઈએ. વિપક્ષે બેલેટ પેપર લૂંટીને રાજ કર્યું છે. વિપક્ષો ઈવીએમને હટાવવા માગતા હતા, પરંતુ તેમના સપનાં રોળાઈ ગયાં. કેસમાં અરજદાર તરીકે એસોસીએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) ઉપરાંત ચૂંટણીપંચ અને સરકાર મળીને ત્રણ પક્ષ સામેલ હતા. ચૂંટણીપંચ તરફથી તેના અધિકારીએ ફેંસલા બાદ કહ્યું હતું કે, ઈવીએમની વિશ્વસનીયતા સામે સવાલ ઉઠાવતી અરજીઓને અદાલતો 40વાર ફગાવી ચૂકી છે. સુપ્રીમ કોર્ટે ચૂંટણીપંચને ત્રણ નિર્દેશમાં કહ્યું કે, સિંબોલ લોડિંગ પ્રક્રિયા પૂરી થયા બાદ યુનિટ સીલ કરી, 45 દિવસ માટે સ્ટ્રોંગરૂમમાં રાખી દેવાનું થશે. સિવાય, ઈલેકટ્રોનિક મશીનથી પેપર સ્લિપની ગણતરીના સૂચનનું પરીક્ષણ તેમજ ચૂંટણી નિશાન સિવાય દરેક પક્ષ માટે બારકોડ પણ હોઈ શકે છે, તે જોવાનો નિર્દેશ સુપ્રીમે આપ્યો હતો. પરિણામ જાહેર થયા પછી, બીજા કે ત્રીજા નંબરે આવનાર કોઈપણ ઉમેદવારને કોઈ વાંધો હોય તો તેણે સાત દિવસમાં ફરિયાદ કરવી. એન્જિનીયરોની ટીમ ઈવીએમની અંદર રહેલા માઇક્રોકન્ટ્રોલરની મેમરી ચેક કરશે. ફરિયાદ પછી ઉમેદવાર વેરિફિકેશન પ્રક્રિયાનો ખર્ચ ઉઠાવશે. જો તપાસમાં ખુલાસો થશે કે, ઈવીએમ સાથે ચેડાં કરવામાં આવ્યા છે, તો ઉમેદવારે કરેલ ખર્ચ તેને પરત આપવામાં આવશે. કેસમાં અરજદારો વતી એડવોકેટ પ્રશાંત ભૂષણ, ગોપાલ શંકરનારાયણ અને સંજય હેગડેએ રજૂઆત કરી હતી. પ્રશાંત એસોસીએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) વતી છે, જ્યારે અત્યાર સુધી ચૂંટણીપંચ વતી એડવોકેટ મનિંદર સિંહ, અધિકારીઓ અને કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતા હાજર રહ્યા હતા.  બાબતે ચૂંટણીપંચે કહ્યું હતું કે, મતદારોને વીવીપેટ સ્લિપ આપવામાં મોટું જોખમ છે. આનાથી મતની ગુપ્તતા સાથે ચેડાં થશે અને બૂથની બહાર તેનો દુરુપયોગ થઈ શકે છે. તેનો ઉપયોગ અન્ય લોકો કેવી રીતે કરી શકે છે, તે અમે કહી શકીએ નહીં. હાલમાં, કોઈપણ મતવિસ્તારમાં માત્ર પાંચ ઈવીએમ મત વીવીપેટ સ્લિપ સાથે મેચ થાય છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ચૂંટણીપંચે અંદાજે 24 લાખ વીવીપેટ ખરીદવા માટે 5,000 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે, પરંતુ માત્ર 20,000 વીવીપેટ સ્લિપની વોટ સાથે ચકાસણી કરવામાં આવી રહી છે. 2019ની લોકસભા ચૂંટણી પહેલાં 21 વિપક્ષી પક્ષોના નેતાઓએ પણ તમામ ઈવીએમના ઓછામાં ઓછા 50 ટકામાં વીવીપેટ મશીનની સ્લિપના મતોના માચિંગની માગણી કરી હતી. - કોર્ટે આપેલા ખાસ નિર્દેશ : -  એસએસયુવાળા સીલબંધ કન્ટેઈનરોને પરિણામ જાહેર થયા બાદ ઓછામાં ઓછા 4 દિવસ સુધી ઈવીએમ સાથે સ્ટોર રૂમમાં સુરક્ષિત રાખવામાં આવે. તેને ઈવીએમની જેમ ખોલવા અને સીલ કરવા જોઈએ. માઈક્રો કંટ્રોલરની પણ થઈ શકશે તપાસ. - પ્રત્યેક વિધાનસભા તથા સંસદીય ક્ષેત્રમાં ચૂંટણી જાહેર થયા બાદ ઈવીએમના નિર્માતાઓના એન્જીનીયરોની ટીમ તપાસ અને ખરાઈ કરે. - ઈવીએમમાં સિંબલ લોડિંગ પ્રક્રિયા પૂરી થવા પર, સિંબલ લોડિંગ એકમને સીલ કરી દેવું જોઈએ અને કંટેઈનરોમાં સુરક્ષિત કરવું જોઈએ. - ઉમેદવાર અને તેના પ્રતિનિધિ મહોર પર હસ્તાક્ષર કરશે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang