• મંગળવાર, 07 મે, 2024

સેડાતામાં યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત, ઢોરીમાં વીજ આંચકો વૃદ્ધને ભરખી ગયો

ભુજ, તા. 26 : પશ્ચિમ કચ્છમાં બનેલા આપઘાત-અકસ્માત મોતના બનાવોમાં ચાર જીવન પૂર્ણ થયાં હતાં.  તાલુકાના સેડાતા પાસે આવેલા વિલામાં સચિન જયપ્રકાશ સેની (.. 26) નામના યુવાને ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો, જ્યારે  ઢોરીમાં રહેતા હસન મામદ સમેજા (.. 58)નું વીજશોક લાગતાં મોત થયું હતું, તો અબડાસા તાલુકાના જોગીવાસમાં રહેતા મહેશ રવજી જોગી (.. 18) કોઈ અગમ્ય કારણે ગળેફાંસો ખાઈ લઈ જીવન ટૂંકાવ્યું હતું, જ્યારે માંડવી તાલુકાના ત્રગડી ગામમાં રહેતી અરુણાબા ભરતસિંહ જાડેજા (.. 29) નામની પરિણીતાએઁ ઝેરી દવા પી લેતાં સારવાર દરમિયાન દમ તોડયો હતો. પોલીસે આપેલી વિગતો મુજબ, ઢોરી વાડી વિસ્તારમાં રહેતા હસનભાઈ પોતાની વાડી પર હતા ત્યારે કામ દરમિયાન પાણીની મોટર ચાલુ કરવા જતાં તેમને જોરદાર વીજ આંચકો લાગ્યો હતો, જે તેમના માટે જીવલેણ સાબિત થયો હતો. માધાપર પોલીસે અકસ્માત મોતની નોંધ કરી આગળની તપાસ આદરી છે. બીજીબાજુ સેડાતામાં આવેલા વીલા રિસોર્ટમાં કામ કરતા અને ત્યાં સ્ટાફના રહેણાકમાં રહેતા સચિન નામના યુવાને કોઈ અકળ કારણે પંખામાં દોરી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. તેને તાત્કાલિક ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.  બીજી બાજુ કોઠારા પોલીસે જણાવ્યા મુજબ જોગીવાસમાં રહેતા મહેશે કોઈ અકળ કારણે પોતાના ઘરે હતો ત્યારે આડીમાં સાડી બાંધી ગળેફાંસો ખાઈ લેતાં તેને નલિયાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. કોઠારા પોલીસે મામલે આગળની તપાસ હાથ ધરી છે. વધુ એક આપઘાતનો બનાવ ત્રગડી ગામમાં બન્યો હતો. અહીં રહેતી અરુણાબા નામની પરિણીતાએ કોઈ કારણે ઝેરી દવા પી લીધા બાદ સારવાર માટે ભુજની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. માંડવી મરીન પોલીસે અકસ્માત મોતની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang