• મંગળવાર, 07 મે, 2024

ભાજપની લોકકલ્યાણ યોજનાઓથી ગ્રામ્ય લોકોને ફાયદો થયો

ભુજ, તા. 26 : ભાજપ સરકારની લોકકલ્યાણ યોજનાઓ થકી ગ્રામ્ય લોકોને ફાયદો થયો છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ થકી લોકસભા ચૂંટણીમાં ભાજપનો વિજય નિશ્ચિત છે, તેવું લોકસભા કચ્છ બેઠકના ઉમેદવાર વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું. રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણી પ્રચાર - પ્રસાર દરમ્યાન લોકસભા ભાજપના ઉમેદવાર વર્તમાન સાંસદ અને  પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકારે ગ્રામ્ય કક્ષાએ આર્થિક રીતે નબળા લોકોને મદદ કરવા શરૂ કરેલી લોકકલ્યાણ યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી જન-ધન યોજના, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જેવી અનેક યોજનાઓ થકી ગ્રામજનોને ફાયદા થયા છે.  ઉપરાંત સ્વાસ્થ્ય સેવાઓને મજબૂત કરવાના સંકલ્પ હેતુ આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના થકી દેશના જન-જનને સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડવા આરોગ્ય કવચ પ્રદાન કરવા સહિતનાં કાર્યની રૂપરેખા આપી હતી. શ્રી ચાવડાએ વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કચ્છના છેવાડે વસતા લોકોની પણ સતત ચિંતા સેવી છે. દેશ-વિદેશના કાર્યક્રમોમાં પણ તેઓ હંમેશાં સરહદી જિલ્લાને યાદ કરી કચ્છ પ્રત્યેનો પ્રેમ દર્શાવતા રહે છે. જિલ્લાના વિકાસને ધ્યાને લઈ 100 ટકા મતદાન કરવા ભાજપને જંગી બહુમતીથી વિજયી બનાવવા રાપર તા.ના વ્રજવાણી, બેલા, ધબડા, આણંદપર, બાલાસર, જાટાવાડા, ગઢડા રાસાજી, લોદ્રાણી, શિરાણીવાંઢ, વેરસરા, રતનપર, ગણેશપર, ગઢડા, ધોળાવીરા, ખારોડા, કલ્યાણપર, અમરાપર અને ગેડી ગામમાં બેઠકો યોજી ઉપસ્થિત ગ્રામજનોને જનસમર્થન માટે અપીલ કરી હતી. ચૂંટણી પ્રવાસ દરમ્યાન જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, જિલ્લા પંચાયત પ્રમુખ  જનકસિંહ જાડેજા, રાપરના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા, રાપર તાલુકા ભાજપ પ્રમુખ  નશાભાઈ દૈયા, રાપર વિધાનસભા પ્રભારી કમલેશભાઈ દેસાઈ, રાપર તાલુકા પંચાયતના હોદ્દેદારો, જિલ્લા ભાજપ અનુ. જાતિ પ્રમુખ અશોકભાઈ હાથી, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા,પાર્ટી હોદ્દેદાર  કાનજીભાઈ ગોહિલ, કેશુભા વાઘેલા, ડોલરરાય ગોર,  હરિભાઈ રાઠોડ સાથે કાર્યકર્તાઓ જોડાયા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang