• મંગળવાર, 08 સપ્ટેમ્બર, 2026

સુરત સ્ટેટ રેન્કિંગ ટીટી : ફિલઝાહે મહિલા ટાઈટલ જીત્યું

સુરત, તા. 7 : ઘરઆંગણે શાનદાર રમતનું પ્રદર્શન કરતાં સુરતની ફિલઝાહફાતેમા કદરીએ મહિલા વર્ગનો ખિતાબ પોતાના નામે કર્યો હતો, જ્યારે સુરતની જ દાનિયા ગોડિલ અને કચ્છના રેહાંશ સિંઘવીએ ફાઇનલમાં બે-બે ખિતાબ જીતીને પોતાની પ્રતિભાની ઝલક બતાવી હતી. તાપ્તી વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે રવિવારે સમાપ્ત થયેલી તાપ્તી વેલી પાંચમી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટમાં આ ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ ટેબલ ટેનિસ એસોસિયેશન ઓફ સુરત ડિસ્ટ્રીક્ટ દ્વારા આયોજિત આ ટૂર્નામેન્ટના ટાઇટલ સ્પોન્સર તાપ્તી વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ હતા. 23 વર્ષની છઠ્ઠી ક્રમાંકિત ફિલઝાહફાતેમા કદરીએ મહિલા ફાઇનલમાં અમદાવાદની ચોથા ક્રમાંકિત મૌબોની ચેટર્જીને 4-1થી પરાજય આપી સિઝનનો પોતાનો પ્રથમ ખિતાબ જીત્યો હતો. આ જીત સાથે અમદાવાદની પ્રથા પવારની મહિલા વર્ગમાં ચાલી રહેલી સફળતાનો અંત આવ્યો હતો. જો કે, પ્રથા પવાર સુરતમાંથી ખાલી હાથે પરત ફરી નહોતી. ટોચની ક્રમાંકિત પ્રથાએ ભાવનગરની બીજી ક્રમાંકિત રિયા જયસ્વાલને 4-2થી હરાવી અંડર-19 ગર્લ્સનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. સુરતની દાનિયા ગોડિલે પણ ઘરઆંગણે શાનદાર દેખાવ કરતાં અંડર-17 અને અંડર-15 ગર્લ્સના બે ખિતાબ જીતીને ડબલ ક્રાઉન મેળવ્યો હતો. અંડર-17ની ફાઇનલમાં બીજી ક્રમાંકિત દાનિયાએ સુરતની જ આઠમા ક્રમાંકિત વિન્સી તન્નાને 3-0થી હરાવી હતી. વિન્સીએ અગાઉ સ્પર્ધામાં મોટો અપસેટ સર્જતાં પ્રારંભિક રાઉન્ડમાં ટોચની ક્રમાંકિત ચાર્મી ત્રિવેદીને 3-1થી હરાવી હતી. અંડર-15 બોયઝની ફાઇનલમાં અમદાવાદના ચોથા ક્રમાંકિત અંશ ખમારે કચ્છના ત્રીજા ક્રમાંકિત ધ્રુવ ભંભાણીને 3-0થી હરાવી ક્લિનિકલ વિજય મેળવ્યો હતો. અંડર-13 બોયઝની રોમાંચક ફાઇનલમાં કચ્છના બીજા ક્રમાંકિત રેહાંશ સિંઘવીએ સુરતના ચોથા ક્રમાંકિત દક્ષ જેઠવા સામે જોરદાર વાપસી કરી હતી. 0-2થી પાછળ રહ્યા બાદ 10 વર્ષીય રેહાંશે સતત ત્રણ ગેમ જીતી 3-2થી મુકાબલો પોતાના નામે કર્યો હતો. રેહાંશે અંડર-11 બોયઝનો ખિતાબ પણ જીતીને ડબલ ક્રાઉન પૂર્ણ કર્યો હતો. અંડર-11ની ફાઇનલમાં તેણે સુરતના બીજા ક્રમાંકિત પનવ કેલાને 3-1થી પરાજય આપ્યો હતો.

Panchang

dd