• મંગળવાર, 08 સપ્ટેમ્બર, 2026

દિલ્હી દુર્ઘટનામાં સરકાર પણ જવાબદાર

નવી દિલ્હી, તા. 7 : દિલ્હીમાં પાંચ માળની ઇમારત આખી કડડભૂસ થતાં સર્જાયેલી લોહિયાળ દુર્ઘટનામાં મરણાંક સાત થયો છે. દિલ્હી હાઇકોર્ટે સોમવારે સુનાવણી કરતાં આ દુર્ઘટના માટે દિલ્હી નગર નિગમ તેમજ દિલ્હી યુનિવર્સિટીને જવાબદાર લેખાવ્યા હતા. દરમ્યાન, લૂકઆઉટ નોટિસ જારી કરનાર દિલ્હી પોલીસે ધ્વસ્ત થયેલી ઇમારતના માલિક હરિરામ બંસલની રાજસ્થાનના ભીવાડીથી ધરપકડ કરી લીધી હતી. સાથે તેના પત્ની ઉર્મિલા અને પુત્ર મહેશને પણ પકડી લેવાયા હતા. સાથોસાથ સરકાર પણ જવાબદારીમાંથી છટકી, બચી શકતી નથી, તેવી કડક ટિપ્પણી પણ વડી અદાલતે કરી હતી. બીજીતરફ મુખ્યમંત્રી રેખા ગુપ્તાની સરકારે આજે એક મોટો આદેશ જારી કરતાં મંજૂરી મેળવ્યા વિના બનેલી પાંચ માળ કે તેથી વધુ માળની તમામ અનધિકૃત ઇમારતોને સીલ કરી દેવાનો નિર્દેશ આપ્યો હતો. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ દિલ્હી નગર નિગમના પાંચ અધિકારીને ફરજમોકૂફ કરી નાખ્યા હતા. આ પાંચમાંથી બે અધિકારી નાયબ કમિશનર રાકેશકુમાર અને અધીક્ષક ઇજનેર રણવીરસિંહ માલવિયનગર આગ દુર્ઘટના અને સૈંદુલ અજાબ ઇમારત દુર્ઘટના વખતે પણ નિગમમાં હતા. દિલ્હીની ઇમારત ધ્વસ્ત થવાની દુર્ઘટનામાં સાત લોકો જીવ ખોઇ ચૂક્યા છે. 12 લોકોને બચાવી લેવાયા છે, પરંતુ તેમાંથી પાંચની તબિયત ગંભીર બતાવાઇ રહી છે. દિલ્હી હાઇકોર્ટે દિલ્હી સરકાર, દિલ્હી નગર નિગમ, કેન્દ્ર સરકાર, દિલ્હી યુનિવર્સિટી, એનએચઆરસીને 10 દિવસમાં જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. દુર્ઘટના થયાના 27 કલાક બાદ આજે સાંજે સાડાચાર વાગ્યે બચાવ રાહત કામગીરી પૂરી કરાઇ હતી. દરમ્યાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રહાર કરતાં કહ્યું હતું કે, દર વખતે ભાજપ સરકારની આવી જ શરમજનક પેટર્ન હોય છે. કેટલાક અધિકારીઓ પર જવાબદારી નાખી દેવાય છે. અસલી ગુનેગાર જવાબદારીથી મુક્ત રહે છે.

Panchang

dd