ઉઝબેકિસ્તાન મધ્ય એશિયાના કેન્દ્રમાં છે અને આ ક્ષેત્રમાં ભારતની
પ્રતિબદ્ધતાનાં કેન્દ્રમાં ઉઝબેકિસ્તાન છે, આટલા ઓછા શબ્દોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાશ્કંદ સાથેના નવી દિલ્હીના સંબંધો
વિશે ઘણું બધું કહી દીધું હતું. હાલમાં જ ઉઝબેકિસ્તાનની મુલાકાત દરમિયાન વડાપ્રધાન
મોદીને ટોચના રાષ્ટ્રીય સમ્માનથી નવાજાયા, જો કે, મહત્ત્વની વાત એ કે, ભારતને યુરેનિયમનો જથ્થો આપવા માટે
આ દેશે લાંબાગાળાનો કરાર કર્યો છે અને આ સાથે જ બંને દેશ વચ્ચે દ્વિપક્ષીય વેપાર માટે
વાર્ષિક પાંચ બિલિયન ડોલરનું ધ્યેય નિયત કરાયું છે. ભારતનું ધ્યેય 2047 સુધીમાં પોતાની ન્યૂક્લીયર
પાવર ક્ષમતા 100 ગિગાવોટ સુધી વધારવાનો છે અને
વિશ્વના યુરેનિયમના ટોચના પાંચ નિર્માતામાં ઉઝબેકિસ્તાન એક છે. ભારત અત્યારે કઝાકિસ્તાન, ફ્રાન્સ, રશિયા તથા કેનેડા
પાસેથી યેલોકેક (કુદરતી યુરેનિયમ કાચી ધાતુ) મેળવે છે, પણ સાતત્યપૂર્વક
ઊર્જા સર્જન માટે ભારત આ જથ્થો મેળવી શકાય એવા દેશોની સંખ્યા વધારવાની દિશામાં કાર્યરત
છે, જેથી કોઈ એક કે મર્યાદિત રાષ્ટ્રો પર મદાર ન રહે. હજી જુલાઈ
મહિનામાં જ ઓસ્ટ્રેલિયા અને એ પહેલાં માર્ચ મહિનામાં કેનેડા સાથે નવ વર્ષના કરાર પર
હસ્તાક્ષર બાદ હવે ઉઝબેકિસ્તાન સાથે લાંબાગાળાના કરારને કારણે ભારત આ દિશામાં આત્મનિર્ભરતા
તરફ વધુ એક ડગલું આગળ વધ્યું છે. આ સાથે જ અત્યારે બંને દેશ વચ્ચે જેટલો વેપાર છે,
તેને પાંચગણો વધારવાનું ધ્યેય પણ રાખવામાં આવ્યું છે, આનાં કારણે ઊર્જા, સંરક્ષણ, એ.આઇ.,
કૃષિ અને સ્વાસ્થ્ય જેવાં ક્ષેત્રોમાં પણ નોંધપાત્ર સહકાર વધશે. બંને
દેશ વચ્ચે કુલ 11 સમજૂતી પર
હસ્તાક્ષર થયા છે. ઉઝબેક રાષ્ટ્રપતિ શાવકત મિર્ઝિયોયેવ વચ્ચે થયેલી સમજૂતીઓ અને ફળદાયી
ચર્ચાઓમાં યુરેનિયમનો પુરવઠો પૂરો કરવાનો મુદ્દો સૌથી મહત્ત્વનો છે. ઊર્જા ઉત્પાદનની
દૃષ્ટિએ યુરેનિયમ તથા મધ્ય એશિયામાં ભારતની હાજરી ચીનના વધતા પ્રભાવને નિયંત્રિત કરવા
માટે પણ આવશ્યક છે. ચીને પોતાના બેલ્ટ એન્ડ રોડ ઈનિસિયેટિવ દ્વારા બધી બાજુએ જમીનથી
ઘેરાયેલા કુદરતી સંપદાથી સંપન્ન દેશોમાં પગપેસારો કરવાની નીતિ રાખી છે. આવામાં, ભારત અહીં પોતાની હાજરી વધારી ચીની ભયને સંતુલિત
કરવા તત્પર છે. વળી, એકથી વધુ યુરેનિયમ સપ્લાયર હોવાનો ફાયદો
એ છે કે, 1974માં અણુપરીક્ષણ
પછી આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને કારણે સહેવી પડેલી તકલીફોથી બચી શકાય અને ઊર્જા ઉત્પાદનમાં
બ્રેક પણ ન લાગે. વડાપ્રધાન મોદીને ઉઝબેકિસ્તાનનું સર્વોચ્ચ સન્માન ઓલી દર્જાલી દોસ્તાલિક
એટલે કે સર્વોચ્ચ મિત્રતાથી નવાજવામાં આવ્યા. આ સન્માનનું મહત્ત્વ એ દૃષ્ટિએ પણ છે
કે, આ અગાઉ ચીનના રાષ્ટ્રપતિ શી જિનાપિંગને પણ તે
આપવામાં આવ્યું હતું. હાલ, ઉઝબેકિસ્તાનમાં 400 જેટલી ભારતીય કંપની સક્રિય
છે અને હાલની મુલાકાતથી આ તકોમાં વધારો થશે, એમાં શંકા નથી.