ભુજ, તા. 7 : માંડવીના ભેરૈયા પાટિયા પાસે
ગઢશીશાના માનસિક રીતે અસ્વસ્થ 40 વર્ષીય યુવાન
ચંદ્રેશ ઉર્ફે ચંડાલ મીઠુ કોલીને અજાણ્યા વાહને રાત વચ્ચે અડફેટમાં લેતા આજે વહેલી
સવારે માર્ગ પરા તેનો મૃતદેહ મળ્યો હતો. બીજી તરફ નારાયણ સરોવરમાં 50 વર્ષીય આધેડ લખુ મંગલભાઇ મહેશ્વરીએ
પોતાની જાતે શરીરે આગ લગાડી જીવ દીધો હતો.
આજે વહેલી સવારે ગઢશીશાથી ભુજ તરફ જતા મુખ્ય માર્ગ પર રાજપર
અને ભેરૈયા પાટિયા વચ્ચે અકસ્માત-ગ્રસ્ત અજાણ્યા યુવાનનો મૃતદેહ દેખાતા 108 અને 112ને જાણ કરાઇ હતી. ગઢશીશા પોલીસે
છાનબીન આદરતા આ અજાણ્યો યુવાન ગઢશીશા વિમલ રેસીડેન્સીની સામે રહેતો ચંદ્રેશ ઉર્ફે ચંડાલ
મીઠુ કોલી (ઉ.વ. 40) હોવાનું સામે
આવ્યું છે. ચંદ્રેશ ઉર્ફે ચંડાલ માનસિક રીતે
અસ્વસ્થ હોવાથી રખડતો-ભટકતો જીવન જીવતો હતો. રાત વચ્ચે કોઇ અજાણ્યા વાહનની અડફેટે આવવાથી
તેનું મોત નીપજ્યા હોવાને લઇ ગઢશીશા પોલીસે તે દિશામાં કાર્યવાહી કરી હતી.
બીજી તરફ નારાયણ સરોવરમાં મફતનગરમાં રહેતા લખુ મહેશ્વરીએ આજે
સવારે 5થી 6 વાગ્યા દરમ્યાન કોઇ અગમ્ય કારણોસર મફતનગર નાકાની બાજુમાં દુકાનના
ઓટલા ઉપર કોઇ જવલનશીલ પદાર્થ વડે પોતાની જાતે શરીર પર આગ લગાડી દીધી હતી. ગંભીર રીતે
દાઝેલા લખુભાઇને સારવાર અર્થે દયાપર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાઇ રહ્યા હતા પરંતુ હોસ્પિટલ
પહોંચે તે પહેલા જ રસ્તામાં તેનું પ્રાણ પંખેરું ઊડી ગયું હતું. હોસ્પિટલમાં ફરજ પરના
તબીબે મૃત ઘોષીત કર્યા હતા. નારાયણસરોવર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી
હાથ ધરી છે.