નવી દિલ્હી, તા. 7 : અરવલ્લીની
પહાડીઓની પરિભાષા નક્કી કરવા માટે રચાયેલી ઉચ્ચ સત્તાધારી સમિતિને વધુ સમય આપવાનો સુપ્રીમ
કોર્ટે ઇન્કાર કરી દીધો હતો. મુખ્ય ન્યાયમૂર્તિએ ગુસ્સાભર્યા સ્વરે સખત નારાજગી વ્યક્ત
કરતાં કહ્યું હતું કે, કામ શરૂ કરતાં
જ સમિતિએ છ મહિનાનો વધારાનો સમય માગી લીધો. એવું લાગી રહ્યું છે કે, સમિતિ મારા નિવૃત્ત થવાની રાહ જોઇ રહી છે. કોઇ જ વધારાનો સમય સમિતિને નહીં
મળે. દિવસ-રાત કામ કરો અને નિયત સમયમર્યાદામાં અહેવાલ આપો, તેવું
તેમણે કહ્યું હતું. ઉચ્ચ સત્તાધારી સમિતિએ 28 ફેબ્રુઆરી 2027 સુધીનો સમય માગ્યો હતો. મુખ્ય ન્યાયમૂર્તિનાં વડપણવાળી ખંડપીઠે
કડક વલણ અપનાવતાં 30 નવેમ્બર, 2026 સુધી કોઇપણ
સંજોગોમાં અહેવાલ સોંપવા આદેશ આપ્યો હતો. મહત્ત્વના નિર્દેશમાં મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતે
જણાવ્યું હતું કે, બે મહિનામાં
સમિતિ અહેવાલ નહીં સોંપી શકે તો સમિતિની પુન: રચના કરાશે. આ મામલામાં નવી સુનાવણી બીજી
ડિસેમ્બર, 2026ના કરાશે.
વીતેલાં વર્ષે નવેમ્બરમાં સુપ્રીમ કોર્ટે એક તજજ્ઞ સમિતિનો અહેવાલ સ્વીકારી લીધો હતો.
એ અહેવાલમાં 100 મીટરથી ઓછી ઊંચાઇવાળા પહાડોને
અરવલ્લીની પરિભાષામાંથી બહાર કરી દેવાયા હતા. પર્યાવરણ કાર્યકરોના વિરોધ બાદ સુપ્રીમ
કોર્ટે આદેશ પર રોક મૂકી દીધી હતી અને મામલાની સમીક્ષા માટે ચાલુ વર્ષે મે મહિનામાં
પાંચ સભ્યની સમિતિ બનાવી હતી.