• મંગળવાર, 08 સપ્ટેમ્બર, 2026

કોઠારા ગૌચર કાંડ : 1400 એકર જમીન પર ભૂમાફિયાઓ બેફામ

નલિયા, તા. 7 : અબડાસા તાલુકાના કોઠારા જૂથ ગ્રામ પંચાયત હેઠળ આવતી અંદાજે 1400 એકર જેટલી વિશાળ ગૌચરની જમીન પર માથાભારે અને અસામાજિક તત્ત્વો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદે કબજાના મામલે પંથકમાં ભારે ચર્ચા જાગી છે. આ જમીનમુદ્દે કોઠારા જૂથ ગ્રામ પંચાયતમાં આવતા ભેદી ગામના ધલ જટુભા માનસંગજીએ વહીવટી તંત્ર અને પંચાયતની મિલીભગત સામે આક્ષેપો કરી આ જમીન તાત્કાલિક ધોરણે ખાલી કરાવવા માંગ ઉઠાવી છે. વિગતો મુજબ, ગત જુલાઈ માસમાં તંત્રને સાથે રાખીને કોઠારા ગ્રામ પંચાયત દ્વારા અંદાજે 600 એકર ગૌચર જમીન પરથી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ આ કામગીરી માત્ર દેખાડો સાબિત થઈ હોય તેમ હાલમાં આજ ખાલી કરાયેલી જમીન પર ભૂમાફિયાઓ દ્વારા ફરીથી કપાસનું મોટાપાયે વાવેતર કરી દેવામાં આવ્યું છે. આક્ષેપ કરવામાં આવ્યો છે કે 1400 એકર પૈકીની 90 ટકા જમીન પિયત વાળી હોવાના કારણે દબાણકારો અહીં વધુ સક્રિય બન્યા છે અને ખેડવાણ કરેલી જમીન પર લાઈટના જોડાણ, બોરવેલ અને સોલાર સિસ્ટમ જેવી આધુનિક સુવિધાઓ પણ ગેરકાયદેસર રીતે ઊભી કરી દેવામાં આવી છે. ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, વહીવટી તંત્ર અને ગ્રામ પંચાયતની આ દબાણકારો સાથે કથિત ભાગબટાઈ થતી હોવાને કારણે જ દબાણ હટાવવાની કામગીરી માત્ર નામ પૂરતી કરવામાં આવી હતી. લેન્ડ ગ્રાબિંગની ફરિયાદ નોંધાવવા છતાં પણ તંત્ર મૌન સેવી રહ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું. વર્તમાન પરિસ્થિતિમાં વરસાદના અભાવે સીમાડાઓમાં ઘાસચારો રહ્યો નથી, ત્યારે બીજી તરફ ગૌચરની જમીન પર માથાભારે તત્ત્વોના કબજાને કારણે ગામના હજારો પશુઓ માટે ચરિયાણનો પ્રશ્ન અત્યંત વિકટ અને ગંભીર બન્યો છે. અબોલ પશુધન ભૂખે ન મરે તે માટે જે જમીન પર ગેરકાયદે વાવેતર થયું છે ત્યાં પશુધનને ભેલાણ કરવા દેવાની છૂટ આપવામાં આવે તેવી પણ માંગણી ઉઠી છે. જો વહીવટી તંત્ર અને ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક ધોરણે આ દબાણવાળી જમીન ખાલી કરાવવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં અન્યાય સામે ન્યાય મેળવવા હાઈકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરવાની ચીમકી ધલ જટુભાએ ઉચ્ચારી છે. સમગ્ર મામલે હવે તંત્ર કેવા પગલાં ભરે છે તેના પર પંથકની નજર મંડાયેલી છે.

Panchang

dd