ભુજ, તા. 7 : આજના બેઠાડુ જીવન, મોબાઈલ અને કોમ્પ્યુટરના વધુ પડતા ઉપયોગથી કમર,
ગરદન, ઘૂંટણ અને ખભાના દર્દ ઉપરાંત અન્ય રોગના
દર્દીઓમાં વધારો થયો છે. ઘણા દર્દીઓ દર્દ થતાં
જ સીધા પેઈનકિલર તરફ દોડે છે, જે દર્દને દબાવે છે, મટાડતું નથી, ત્યારે ફિઝિયોથેરાપી વૈજ્ઞાનિક અને આડઅસરરહિત
સારવાર સાબિત થઈ રહી છે. આઠમી સપ્ટેમ્બર વિશ્વ
ફિઝિયોથેરાપી દિવસ નિમિત્તે અદાણી સંચાલિત ગેઇમ્સ જી.કે. જનરલ હોસ્પિટલના ફિઝિયોથેરાપિસ્ટ
ડો. પૂજા ગોર અને ડો. દિતિ વેકરિયાના જણાવ્યા મુજબ કમરનો દુ:ખાવો, ગરદન કે સાંધાનો દુ:ખાવો, સવારે ઊઠતાં જ શરીર જકડાઈ જવું,
હલનચલનમાં તકલીફ, લકવા (સ્ટ્રોક), ફ્રેક્ચર કે ઓપરેશન પછીની જડતા, રમત-ગમત દરમિયાન લાગેલી
ઈજા, લિગામેન્ટ કે મસલ્સ ખેંચાવું, ઘૂંટણ
ઘસાવું, સાઈટિકા, ફ્રોઝન શોલ્ડર મુખ્ય છે.
ઉપરાંત પોસ્ટનેટલ, સેરેબ્રલ પાલ્સી, ડિલિવરી
બાદ કે દાઝી ગયા પછી પણ ઉપયોગી છે. ઘણીવાર 40-50ની ઉંમર પછી હસવાથી, ઉધરસ ખાવાથી, છીંકથી કે ભારે વજન ઊંચકવાથી યુરિન પાસ
થઈ જાય છે, ત્યારે પેલ્વિક ફ્લોર અને કિગલ ફિઝિયોથેરાપી કામ લાગી
શકે છે. ફિઝિયોથેરાપિસ્ટ ડો. અદિતિબા ચૂડાસમા અને ડો. સૌમ્યા ગોરે કહ્યું કે,
ફિઝિયોથેરાપી દર્દનું મૂળ કારણ શોધે છે, માત્ર
દર્દની જગ્યા પર નહીં તેની પાછળની ખામી ઉપર પણ કામ કરે છે. કસરત થેરાપી, મેન્યુઅલ થેરાપી, ઈલેક્ટ્રો થેરાપી દ્વારા સ્નાયુને મજબૂત
કરવા, સાંધાની ગતિ પાછી લાવવી અને દર્દને મટાડવું એ તેનો મુખ્ય
રોલ છે.