અંતરિક્ષમાં ઉપગ્રહોના પ્રક્ષેપણની ક્ષમતાથી આખી દુનિયામાં પોતાનો
દબદબો ઊભો કરનાર ભારતે હવે આ સફળતાના વ્યાપને વધરવા માટે કમર કસી છે. ભારતીય અંતરિક્ષ
સંસોધન કેન્દ્ર (ઈસરો)ને મળેલી નવી સિદ્ધિ બતાવે છે કે, આપણે અંતરિક્ષમાંથી પૃથ્વીને જોવાના,
સમજવાના અને તેના આધારે ત્વરિત નિર્ણય લેવાની ક્ષમતાને વધુને વધુ મજબૂત
કરી છે. આ સંદર્ભમાં પૃથ્વી પર બારીકાઈથી અવલોકન કરવાની ક્ષમતા ધરાવતા ઈઓએસ-0પ ઉપગ્રહનું સફળ પ્રક્ષેપણ એક ચાવીરૂપ સિમાચિહ્ન
સમાન છે. આ મહત્ત્વના ઈઓએસ-0પ ઉપગ્રહની
ક્ષમતાની સાથોસાથ તેની ભ્રમણકક્ષા પણ ભારે મહત્ત્વ ધરાવે છે. ઈસરોએ ધરતીથી લગભગ 36 હજાર કિલોમીટરની ઊંચાઈ પરની
એવી ભ્ર્રમણકક્ષા પર આ ઉપગ્રહને તૈનાત કર્યો છે જેનાથી ભારતને એક અલગ પ્રકારની અવલોકન
અને દ્રષ્ટિની નવી તાકાત મળશે. ઉલ્લેખનીય છે કે,
પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં ઉપગ્રહોની ઉપયોગિતા ખાસ હોય છે,
પણ જીયોસિક્રોનસ એટલે કે ભૂતુલ્યકાલિક ભ્રમણકક્ષમાં રહેલો ઉપગ્રહ સતત
એક મોટા ભૂભાગ પર નજર રાખી શકે છે. આ જ કારણ છે કે નવા ઉપગ્રહના મિશનમાં કૃષિ,
હવામાન, આપદા વ્યવસ્થાપન અને રાષ્ટ્રીય સ્તરની
બાબતોને આવરી લઈ શકાશે. મહત્ત્વની બાબત એ છે કે, ઈઓએસ-0પ ઉપગ્રહ રિયલ ટાઈમથી સાવ નજીક તસ્વીરો
પૂરી પાડી શકશે જેનાથી તેની ઉપયોગિતા વધી જશે. ખાસ તો હાલના સમયમાં જ્યારે કુદરતી આફતો
અચાનક આવી જતી હોય છે. પૂર, ભૂસ્ખલન,
ચક્રવાત, જંગલની આગ કે વાવાઝોડાં જેવી કુદરતી આફતો
અચાનક આવી પડે છે અને મોટા વિસ્તારોને અસર કરે છે. આવામાં આ ઉપગ્રહથી મળતી તસવીરો આગોતરી
ચેતવણી આપી જશે. વળી આફત બાદની તસવીરોથી નુકસાનના આકલનમાં પણ ઉપગ્રહની માહિતી અને તસવીરો
ભારે મદદરૂપ થઈ શકશે. તેના આધારે રાહત અને પુન:નિર્માણના કામને સચોટ રીતે હાથ ધરી શકાશે.
આ ઉપરાંત જે રીતે આ 2,367 કિલો વજનના
ભારે ઉપગ્રહને તેની નિયત ભ્રમણકક્ષા સુધી પહોંચાડીને ઈસરોએ પ્રક્ષેપણની પોતાની વધુ
એક તાકાતનો પરચો દુનિયાને કરાવી આપ્યો છે. આ સફળતાએ ઈસરોનો દબદબો વધ્યો છે. આ ઉપગ્રહ
જાસૂસી માટે હોવાની દુનિયાના દેશોમાં ઊભી થયેલી છાપને ભારતે તેના નાગરિક ઉપયોગો જાહેર
કરીને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. જો કે, આ આધુનિક ઉપગ્રહની સફળતાએ ધરતી પરની ભારતીય માળખાંની જવાબદારીમાં પણ વધારો
કર્યો છે. ઉપગ્રહમાંથી સચોટ તસવીરો અને માહિતી તો આપણને મળશે પણ તેના પૃથક્કરણ માટે
સંબંધિત વિભાગો પાસે પૂરતી ક્ષમતા વિકસિત કરવાની અને તેમની વચ્ચે સંકલનની વ્યવસ્થા
ઉભી કરવાની હવે તાતી જરૂરત રહેશે. ઈઓએસ -0પ ઉપગ્રહના નવ વર્ષના કાર્યકાળ દરમ્યાન તેના વ્યાપક ઉપયોગોથી
તેની સાર્થકતા સાબિત કરશે. ખરેખર તો આ અંતરિક્ષની આ અનોખી આંખ કરોડો ભારતીયોના જીવનને
વધુ સલામત અને સારું બનાવવામાં મદદરૂપ થાય એવી અપેક્ષા રખાઈ રહી છે.