• મંગળવાર, 08 સપ્ટેમ્બર, 2026

મુંદરા તા.માં વધતી પવનચક્કી ચિંતાનો વિષય

મુંદરા, તા. 7 : કચ્છમાં ખાસ કરીને મુંદરામાં બેફામ રીતે પવનચક્કીઓ સ્થાપિત થવાના કારણે વૃક્ષોનું નિકંદન થવાથી અને વૃક્ષોના નિકંદનથી પક્ષીઓના રહેઠાણ અને જીવન પર ખતરો સર્જાયો છે, ત્યારે સૌએ એકજૂટ થઈને લડત ઉપાડવાનો સમય પાકી ગયો છે, એમ આહિંસાધામ દ્વારા આયોજિત પત્રકાર પરિષદમાં ભાર મુકાયો હતો. તાલુકાના પ્રાગપર ગામે આવેલા પશુ, પક્ષી અને પર્યાવરણના સંરક્ષણ ક્ષેત્રે 36 વર્ષથી કાર્યરત ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર એન્કરવાલા આહિંસાધામ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં મેનાજિંગ ટ્રસ્ટી મહેન્દ્ર સંગોઈએ કહ્યું કે, કચ્છની જનતા જાગૃત થાય. એન્કરવાલા આહિંસાધામમાં મોટી સંખ્યામાં પશુ-પક્ષીની રક્ષા કરવામાં આવે છે. સંસ્થાના 600 એકર વિસ્તારમાં બનાવાયેલા નંદી સરોવરમાં પાંચ લાખ વૃક્ષ ઉછરી રહ્યા છે અને વધુ પાંચનો ઉછેર થશે, જેમાં મોટી સંખ્યામાં પક્ષીઓ વસવાટ કરી રહ્યા છે. અત્યારે કચ્છમાં વધતી પવનચક્કીઓ પર ચિંતા વ્યક્ત કરી જણાવ્યું હતું કે, તેના લીધે વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે. પક્ષીઓનો રહેઠાણ વિસ્તાર પણ ઘટી રહ્યો છે. ગૌચર જમીનો પર પણ પવનચક્કીઓ લગાવવામાં આવી રહી છે. જો ગૌચર જ નહીં રહે તો પશુઓ જશે ક્યાં ? કંપનીઓના કારણે પર્યાવરણ ઉપરાંત ખેતીની જમીનોને પણ નુકસાન થઈ રહ્યું છે. ઔદ્યોગિક એકમોમાંથી નીકળતા કેમિકલયુક્ત ગંદાં પાણીના કારણે જમીન અને ભૂગર્ભ જળ પ્રદૂષિત થવાની શક્યતા રહે છે. જો તંત્ર યોગ્ય નિર્ણયો નહીં લે અને પર્યાવરણને વધુ નુકસાન થશે તો આગામી સમયમાં કલેક્ટર કચેરીને યાત્રા સાથે રજૂઆત સહિતનાં પગલાંની તેમણે તૈયારી દર્શાવી હતી. સંસ્થાના પ્રમુખ હરેશભાઈ વોરાએ પણ વધુમાં જણાવ્યું કે, સરકાર સાથે આ મુદ્દે સંવાદ કરી મુંદરા તાલુકાના પર્યાવરણ, પવનચક્કી અને અન્ય ઉદ્યોગોને કારણે થતા વધુ નુકસાનથી બચાવવાની એકજૂટ રજૂઆત કરાશે. બીજીતરફ, વરસાદ નથી પડયો ત્યારે કચ્છમાં હવે ગૌશાળાઓની પરિસ્થિતિ, ઘાસચારાના મોંઘા થતા ભાવ અંગે પણ તેમણે ચિંતા વ્યક્ત કરી સબસીડીનું પ્રમાણ વધારવા સહિતના મુદ્દા પણ ઉઠાવાયા હતા.

Panchang

dd