અમદાવાદ, તા. 7 (અમારા પ્રતિનિધિ તરફથી) : વડાપ્રધાન
નરેન્દ્ર મોદી આવતીકાલે મંગળવારે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ વડોદરાના
યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે યોજાનારા કાર્યક્રમમાં રૂા. 35,200 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું
લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ફ્લેગ અૉફ કરશે. તેમાં રૂા.
32,606 કરોડથી વધુના કેન્દ્ર સરકારના
તથા રૂા. 2,597 કરોડથી વધુના રાજ્ય સરકારના
વિકાસકાર્યોનો સમાવેશ થાય છે. આ પ્રસંગે ગુજરાતના
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. વડોદરા બાદ વડાપ્રધાન મોદી નવસારીની
પણ મુલાકાત લેશે. વડાપ્રધાનના હસ્તે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિકાસકાર્યોનું
લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. કેન્દ્ર સરકારના રૂા. 32,606 કરોડથી વધુના વિકાસ કાર્યોમાં
નેશનલ હાઈવેઝ અૉથોરિટી અૉફ ઈન્ડિયા (NHAI)ના રૂા. 1,840.55 કરોડના
પ્રોજેક્ટ્સ સામેલ છે. NHAI હેઠળ ખાતમુહૂર્ત
થનારા પ્રોજેક્ટ્સમાં NH-48ના વડોદરા-સુરત
સેક્શનમાં તાપી અને નર્મદા નદી પરના મુખ્ય પુલ સહિતના માળખાંનું રૂા. 907.39 કરોડના ખર્ચે નિર્માણકાર્ય, કામરેજ-ચલથાણ સેકશનના છ માર્ગીય કેરેજવેનું
રૂા. 686.15 કરોડનું કામ તથા NH-53 પર આભવા, મીંઢોળા અને ખજોદ જંકશન ખાતે ગ્રેડ સેપરેટેડ
સ્ટ્રક્ચર્સનું રૂા. 187.11 કરોડના
ખર્ચે નિર્માણકાર્યનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, NH-48 પર કંડારી ચોકડી અને લુવારા
પાટિયા ખાતે રૂા. 59.90 કરોડના ખર્ચે
નિર્મિત છ માર્ગીય ફ્લાયઓવરનું લોકાર્પણ કરવામાં આવશે. ભારતીય રેલવે હેઠળ રૂા. 30,766 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું
લોકાર્પણ-ખાતમુહૂર્ત થશે. રુપિયા રૂા. 20,703 કરોડના ખર્ચે વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (WDFC)ના ત્રણ વિભાગો (1) ન્યૂ સાણંદ (N)-ન્યૂ મકરપુરા (138 કિ.મી.) (2) ન્યૂ ઉમરગામ સફાળે (86 કિ.મી.) અને (3) ન્યૂ સફાળે JNPT (102 કિ.મી.)નું લોકાર્પણ કરવામાં
આવશે. સાથે જ, રૂા. 8,885 કરોડના ખર્ચે વડોદરા-રતલામ
વચ્ચે 259 કિ.મી. લાંબા ત્રીજા અને ચોથા
રેલવે ટ્રેકના નિર્માણનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ઉપરાંત, અન્ય રેલવે લાઇનોના ગેજ કન્વર્ઝન અને ડબાલિંગના
કામોનું લોકાર્પણ તેમજ વડોદરા-ટાંડા રોડ વચ્ચે નવી ટ્રેન અને WDFC પર માલગાડીનું ફ્લેગ ઓફ પણ
કરવામાં આવશે.