ન્યૂયોર્ક, તા. 7 : ડિફેંડિંગ ચેમ્પિયન સ્પેનનો
સ્ટાર ખેલાડી કાર્લોસ અલ્કરાઝ યુએસ ઓપન-2026 ગ્રાંડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટની મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં
પહોંચી ગયો છે, જ્યારે મહિલા વિભાગની બેલારૂસની
નંબર વન આર્યના સબાલેંકા છઠ્ઠીવાર યુએસ ઓપનના કવાર્ટર ફાઇનલમાં પહોંચી છે. તેણી પણ
વર્તમાન ચેમ્પિયન છે. ચોથા રાઉન્ડમાં કાર્લોસ અલ્કરાઝનો અમેરિકાના ખેલાડી ટોમી પોલ
વિરુદ્ધ 6-4, 6-3 અને
6-4થી શાનદાર વિજય થયો હતો. આ
સાથે તેનો ગ્રાંડસ્લેમ ટૂર્નામેન્ટની 18 જીતનો ક્રમ જળવાઇ રહ્યો છે. ચાર મહિના પછી કોર્ટમાં વાપસી કરનાર
અલ્કરાઝે ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં ફકત એક સેટ જ ગુમાવ્યો છે. ક્વાર્ટર ફાઇનલમાં
અલ્કરાઝની ટક્કર અમેરિકી ખેલાડી વિશ્વ નંબર 8 બેન શેલ્ડન વિરુદ્ધ થશે. તેણે ગ્રીસના સ્ટેફાનેસ સિતસિપાસને
6-2, 6-4 અને 6-3થી હાર આપી હતી. મહિલા સિંગલ્સમાં સબાલેંકા સતત છઠ્ઠીવાર
ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે. તેણીએ અમેરિકાની ખેલાડી ટેલર ટાઉનસેંડને 6-4 અને 6-3થી હાર આપી હતી. હવે તેનો સામનો
વિમ્બલ્ડન વિજેતા લિંડા નોસ્કોવા વિરુદ્ધ થશે. તેણીએ માર્તા કોસ્તુયકને 7-પ, પ-7 અને 6-4થી હાર આપી હતી. જેસિકા પોગુલા
પણ કવાર્ટર ફાઇનલમાં પહોંચી છે. જ્યાં તેનો સામનો એમા નવારો વિરુદ્ધ થશે.