મુંબઇ
તા. 14 : જૂનમાં શ્રીલંકામાં રમાનાર ત્રિકોણીય વન ડે
શ્રેણીની ભારતની એ ટીમ જાહેર થઇ છે. જેમાં પહેલીવાર 1પ વર્ષીય બેટર વૈભવ સૂર્યવંશીની પસંદગી થઇ છે.
આ ઉપરાંત પંજાબ કિંગ્સના યુવા ઓપનર પ્રિયાંશ આર્યને પણ તક અપાઇ છે. ઇન્ડિયા એ ટીમની
કપ્તાની તિલક વર્મા સંભાળશે. રિયાન પરાગને ઉપ કપ્તાન બનાવવામાં આવ્યો છે. વિકેટકીપર
તરીકે પ્રભસિમરન સિંઘ અને કુમાર કુશાગ્ર પસંદ થયા છે. આ ત્રિકોણીય શ્રેણીની ત્રીજી
ટીમ અફઘાનિસ્તાન છે. શ્રેણીનો પ્રારંભ 9 જૂનથી થશે અને ફાઇનલ મુકાબલો 21 જૂને રમાશે. વૈભવ સૂર્યવંશી વર્તમાન આઇપીએલ સીઝનમાં જોરદાર બેટિંગ કરી રહ્યો
છે. તે 1 સદી અને 2 અર્ધસદીથી 440 રન કરી ચૂકયો છે આ દરમિયાન 230 ઉપરની સ્ટ્રાઇક રેટ રહી છે. ઇન્ડિયા એ ટીમમાં ઝડપી બોલર તરીકે યશ ઠાકુર, યુધ્ધવીર સિંહ અને અંશુલ કમ્બોજ
છે. ઓલરાઉન્ડર તરીકે નિશાંત સંધુ અને સૂર્યાંશ શેડગે છે. ઇન્ડિયા એ ટીમ ત્રિકોણીય શ્રેણી
પછી શ્રીલંકા એ ટીમ બે ચાર દિવસીય મેચ પણ રમશે. લાલ દડાની ઈન્ડિયા એ ટીમ બાદમાં જાહેર
થશે. ઇન્ડિયા એ ટીમ: તિલક વર્મા (કેપ્ટન), પ્રિયાંશ આર્ય,
વૈભવ સૂર્યવંશી, રિયાન પરાગ (વાઇસ કેપ્ટન),
આયુષ બદોની, નિશાંત સંધુ, હર્ષ દૂબે, સૂર્યાંશ શેડગે, પ્રભસિમરન
સિંઘ (વિકેટકીપર), કુમાર કુશાગ્ર (વિકેટકીપર), વિપ્રજ નિગમ, યશ ઠાકુર, યુધ્ધવીર
સિંહ, અંશુલ કમ્બોજ અને અરશદ ખાન.