સુખપર, તા. 14 : ગૌસેવા ગતિવિધિ કચ્છ અને
નીલકંઠ ગોવિજ્ઞાન કેન્દ્ર નાની નાગલપર અંજારના સંચાલક મેઘજીભાઈ હીરાણી તથા રામપર વેકરાની
તપોવનધામ ગોશાળાના સંચાલક દેવચરણ સ્વામીનાં માર્ગદર્શનમાં આયોજિત પંચગવ્ય સ્નાનમાં
21 સંત સહિત કુલ 78ની સંખ્યામાં સ્નાન કરાયું હતું. જેમાં
90 ટકા યુવાનો હતા. સામાન્ય
રીતે ગોબરનું નામ સાંભળતાં જ સૂગ ચડે અને મોઢું મચકોડે તેવી યુવા પેઢી હવે વહેલી સવારે
ઊઠીને દૂર સુધી જઈ, શુલ્ક ભરીને પંચગવ્ય યુક્ત ગોબર સ્નાન માટે દર મહિને નિયમિત સમય
ફાળવે છે. ચંદન સાથે દેશી ગાયનું દૂધ, દહીં, ઘી, ગૌમૂત્ર અને મુખ્ય ઘટક તરીકે તાજાં
ગોબરનાં મિશ્રણને લગભગ કલાક સુધી હોંશે હોંશે આખાં શરીરે ચોળીને રગડ્યા પછી સાદાં પાણીથી
સ્નાન કરે છે, માત્ર બેવારના સ્નાન પછી ચામડી મુલાયમ થવી, ખરજવું અને સોરાયસીસ મટવું,
શરીરે તાજગી, ગરમી ઓછી લાગવી, મન શાંત થવું વગેરે અનુભવો સાથે ઘણા લોકોએ હવેથી બજારના
કેમિકલયુક્ત સાબુ કે શેમ્પૂ ન વાપરવાના નિયમ સાથે ગાય આધારિત ઉત્પાદનોની વસ્તુઓ ખરીદવા
અને દરેક સ્નાનનાં આયોજનમાં નવા નવા લોકોને જોડવાનો સંકલ્પ લીધો હતો. સ્નાનમાં ગોપાલક અને સામાન્ય નોકરિયાતથી લઈ ડોક્ટર,
વૈદ્ય, શિક્ષક, ઉદ્યોગપતિ, વકીલ અને એકાઉન્ટન્ટ સહિતના વ્યાવસાયિકો જોડાયા હતા. જેમાં
અમુક લોકોએ ઘરે ગાય રાખવાનો સંકલ્પ અથવા ગૌહોસ્ટેલ ચાલુ કરીને સામૂહિક ગૌપાલન કરવાની
ઇચ્છા વ્યક્ત કરી હતી. આયોજનમાં ભુજના મુખ્ય
સ્વામિનારાયણ મંદિરના કોઠારી ગોલોકવિહારી સ્વામી
વગેરે સંતો અને પ્રસાદી મંદિરેથી અભ્યાસ કરતા યુવાન વિદ્યાર્થી સંતો પણ જોડાયા હતા,
એવું યાદીમાં સૌરાષ્ટ્ર પ્રાંત પ્રચાર સંયોજક રામજી વેલાણીએ જણાવ્યું છે.