• શુક્રવાર, 15 મે, 2026

જિલ્લા કલેક્ટર દ્વારા 11 શાળાની જમીનના હુકમ સોંપાયા

ભુજ, તા. 14 : કચ્છ કલેક્ટર આનંદ પટેલ દ્વારા ગુરુવારે એક જ દિવસમાં સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક 11 શાળાની જમીન તેમજ અગાઉ 11 એમ કુલ 22 જમીન શિક્ષણ હેતુ માટે ફાળવી ઉમદા વહીવટનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. શાળાનાં મકાનો બનતાં વિદ્યાર્થીઓને અભ્યાસ માટે અનુકૂળ વાતાવરણ ઊભું થશે, બાકી રહેલી જમીનો માટે પણ તેઓનો અભિગમ ખૂબ જ હકારાત્મક રહ્યો છે. તાજેતરમાં જ તેમની બદલી રાજ્યના શિક્ષણ વિભાગમાં શાળાઓની કચેરી, ગાંધીનગર ખાતે નિયામક તરીકે થતાં જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે શુભકામના તેમજ અભિનંદન પાઠવ્યા હતા. આનંદ પટેલ રાજ્યકક્ષાએ નિયુક્ત થઇ રહ્યા છે અને ખુદ શિક્ષણનો જીવ હોઈ વહીવટમાં પારદર્શિતા તેમનો મૂળ મંત્ર રહ્યો છે, ત્યારે સમગ્ર રાજ્યની સાથે કચ્છ જિલ્લાને એમના અનુભવનો બહોળો લાભ મળશે.  ગત વર્ષે કચ્છ મહિલા વિકાસ સંગઠન અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે આર.ડી. વારસાણી વિદ્યાલય-ભુજ ખાતેથી 500 દીકરીઓને `િવદ્યાનંદી' પ્રોજેક્ટ હેઠળ શિક્ષણમાં પ્રવેશ અપાવ્યો હતો, જેમાંથી એસ.એસ.સી. અને એચ.એસ.સી.માં 399 કન્યાઓ ઉત્તીર્ણ થતાં `કન્યા કેળવણી'નો હેતુ સાર્થક થયો છે. આ ઉપરાંત ગામનાં બાળકો ગામમાં જ રમતગમતનો લાભ મેળવી શારીરિક સૌષ્ઠવ જાળવી શકે તેમજ વિવિધ સ્પર્ધાઓ માટે તૈયાર થઇ શકે તે માટે વિક્રમજનક કહી શકાય તેટલાં 105 મેદાનને નવ તાલુકામાં નીમ કરવાનો પ્રજાલક્ષી નિર્ણય લેવા બદલ પણ જિલ્લા શિક્ષણાધિકારીએ કલેક્ટર શ્રી પટેલનો આભાર માન્યો છે. જમીન માટે હુકમ થયેલી શાળાઓની યાદી આ મુજબ છે. સરકારી માધ્યમિક શાળા-મેઘપર (બો) તા. અંજાર, સરકારી માધ્યમિક શાળા-મોડવદર, તા. અંજાર, સરકારી માધ્યમિક શાળા-બાંડિયા, તા. અબડાસા, સરકારી માધ્યમિક શાળા -અમરાપર,  તા. ભચાઉ, સરકારી માધ્યમિક શાળા-ભુજોડી, તા. ભુજ, સરકારી માધ્યમિક શાળા- વાંઢ તા. માંડવી, સરકારી માધ્યમિક શાળા-વડાલા તા. મુંદરા, સરકારી માધ્યમિક શાળા- ફુલરા, તા. લખપત, સરકારી માધ્યમિક શાળા-પીપર, તા. લખપત, સરકારી માધ્યમિક શાળા-લુણી, તા. મુંદરા અને સરકારી માધ્યમિક શાળા-બંધડી, તા. ભચાઉનો સમાવેશ થાય છે.  

Panchang

dd