ગાંધીધામ, તા. 14 : અહીં મહાનગરપાલિકાની ચૂંટણીમાં
વોર્ડ નંબર એકમાંથી ચૂંટાયેલા કોર્પોરેટર એજન્સીમાં
ભાગીદાર હોઈ અને કોન્ટ્રાક્ટર તરીકે કામ કરી રહ્યા છે તેને અયોગ્ય ઠેરાવવાની માંગ કરવામાં
આવી છે. ગાંધીધામ શહેર કોંગ્રેસના પ્રમુખ ભરતભાઈ ગુપ્તાએ મ્યુનિસિપલ કમિશનરને પાઠવેલા
પત્રમાં જણાવ્યું છે કે, જે વ્યક્તિ કોર્પોરેશન સાથે કોઈ કામ અથવા તો કોન્ટ્રાક્ટમાં
સીધી રીતે કે આડકતરી રીતે ભાગીદારી ધરાવતા હોય, તો તે વ્યક્તિ કોર્પોરેટર તરીકે ચૂંટણી
લડી શકે નહીં અને પદ ઉપર રહી શકે નહીં આ સ્થિતિમાં હિતોનો સંઘર્ષ ઊભો થાય છે. તાજેતરમાં
યોજાયેલી મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર એકમાંથી ચૂંટાયેલા કોર્પોરેટર મનપા વિસ્તારમાં
કામ કરતી એજન્સીમાં ભાગીદાર છે અને કોન્ટ્રાક્ટર તરીકે કામ કરી રહ્યા છે. તાજેતરમાં
જ તે એજન્સીને કોર્પોરેશન દ્વારા 25 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. કોર્પોરેટર જ કોન્ટ્રાક્ટર
રહે, તો મ્યુનિસિપલ વ્યવસ્થા પરથી લોકોના વિશ્વાસને ઠેંસ પહોંચે છે તેમજ કોન્ટ્રાક્ટ,
ટેન્ડર અન્ય નિર્ણયોમાં અનૈતિકતા આવે તેવી સંભાવના રહે છે, જેથી આ કોર્પોરેટરને અયોગ્ય
ઠેરવવામાં આવે તેમજ ખોટી જાહેરાત અને એફિડેવિટ આપવા બદલ તેમની સામે કાયદાકીય કાર્યવાહી
કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.