નવી
દિલ્હી, તા. 14 : ભારતમાં બે દિવસની બ્રિક્સ વિદેશી મંત્રીઓની
બેઠકના આરંભિક દિવસે યજમાન દેશે પશ્ચિમ એશિયાના સંકટ અને હોર્મુઝ ખાડીમાં ખોરવાયેલા
ઊર્જા પુરવઠાને લઇને ચિંતા વ્યક્ત કરી હતી અને તેના વ્યવહારુ ઉકેલની હાકલ કરી હતી.
વિદેશમંત્રી એસ. જયશંકરે જણાવ્યું હતું કે, ભારત તણાવ ઘટાડવામાં રચનાત્મક યોગદાન આપવા અને સ્થિરતા પુન:
સ્થાપિત કરવા માટે સમર્થન આપવા તૈયાર છે. શાંતિ કાયમી હોવી જોઇએ. આંતરરાષ્ટ્રીય સબંધોમાં
અખંડિતતાનું સન્માન જળવાવું જોઇએ. અગાઉ બ્રિક્સના
વિદેશમંત્રીઓના સંમેલનમાં ઈરાનના વિદેશમંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ ખૂબ જ ભાવુક અને
આક્રમક ભાષણ આપ્યું હતું. તેમણે અમેરિકા અને ઈઝરાયલ ઉપર ઈરાન સામે ક્રૂર અને ગેરકાનૂની
હુમલો કરવાનો આરોપ મૂક્યો હતો અને સાફ કહ્યું હતું કે, ઈરાન કોઈપણ
દબાણ સામે નમશે નહીં. અરાઘચીએ દાવો કર્યો હતો
કે, ઈરાન માત્ર પોતાના માટે નહીં પણ પૂરા ગ્લોબલ સાઉથ માટે લડી
રહ્યું છે. તેમણે બ્રિક્સ દેશો સમક્ષ અપીલ કરી હતી કે, પશ્ચિમ
દેશોની મનમાની સામે નક્કર પગલાં ભરવામાં આવે. બીજી તરફ વિદેશમંત્રી એસ. જયશંકરે વૈશ્વિક
હાલાત, આર્થિક પડકારો અને બદલાતી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા વચ્ચે
બ્રિક્સની વધતી ભૂમિકા ઉપર ભાર મૂક્યો હતો. જયશંકરે કહ્યું હતું કે, બદલતી વૈશ્વિક વ્યવસ્થા વચ્ચે દુનિયાની નજર બ્રિક્સ ઉપર છે. ભારતની 2026 અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં થઈ રહેલી બ્રિકસ
વિદેશમંત્રીઓની બેઠકમાં અરાઘચીનું ભાષણ સૌથી વધારે આક્રમક અને ભાવનાત્મક ભાષણમાંથી
એક માનવામાં આવે છે. શરૂઆતમાં જ અરાઘચીએ કહ્યું હતું કે, અમેરિકા અને ઈઝરાયલે ઈરાનમાં
બે વખત હુમલા કર્યા છે અને તેને સાચા ઠેરવવા ખોટા દાવાઓ કર્યા છે. તેમણે સવાલ કર્યો
હતો કે, શું ઈરાને પોતાની આઝાદીના સિદ્ધાંતોને છોડીને સામ્રાજ્યવાદી
તાકાતો સામે ઘૂંટણીયે આવવું જોઈએ ? પછી પોતે જ જવાબ આપતા કહ્યું
હતું કે, ઈરાન ક્યારેય નમ્યું નથી અને નમશે પણ નહીં. અરાઘચીએ
ઈરાનની સૈન્ય અને કૂટનીતિક લડાઈને વૈચારિક
સંઘર્ષ ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, કમજોર પડી રહેલી પશ્ચિમી
તાકાતો ગ્લોબલ સાઉથને રોકવાનો પ્રયાસ કરી રહી છે. આ સાથે તેમણે બ્રિક્સને એક નવી અને
વધારે ન્યાયપૂર્ણ વૈશ્વિક વ્યવસ્થાનું પ્રતીક ગણાવ્યું હતું. આ સાથે બ્રિક્સ દેશોને
સંબોધિત કરતાં કહ્યું હતું કે, અમેરિકાની દાદાગીરીનો અનુભવ બેઠકમાં
સામેલ ઘણા દેશોએ કર્યો છે. ઈરાને બ્રિક્સ દેશો સમક્ષ માગણી કરી હતી કે, સભ્ય દેશોએ અમેરિકા અને ઈરાને કરેલા હુમલાની નિંદા કરવી જોઈએ. વધુમાં સંયુક્ત
રાષ્ટ્રના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી થવી જોઈએ.