નવી
દિલ્હી, તા.
14 : વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આવ્યા બાદ આખરે કેરળમાં મુખ્યમંત્રીના નામની કોંગ્રેસે જાહેરાત
કરી છે. આશરે દસ દિવસની ખેંચતાણ બાદ કોંગ્રેસે કેરળના મુખ્યમંત્રી તરીકે વી. ડી. સતીશનનાં
નામ પર મહોર લગાવી છે. આજે કેરળના અખિલ ભારત કોંગ્રેસ સમિતિ (એઆઈસીસી)ના પ્રભારી દીપા
દાસમુન્શીએ સતીશનનાં નામની ઘોષણા કરી હતી. આ સાથે જ કોંગ્રેસના મહામંત્રી કે. સી. વેણુગપાલનાં
નામની અટકળો પર પરદો પડી ગયો છે. કેરળ વિધાનસભા
ચૂંટણીનાં પરિણામો ચોથી મેના બાકી ચાર રાજ્યની સાથે જ જાહેર થયાં હતાં. બાકીનાં રાજ્યોમાં
મુખ્યમંત્રીનાં નામની સાથે જ શપથવિધિ પણ પૂર્ણ થઈ હતી. પરંતુ કેરળના 10 દિવસ બાદ પણ કોંગ્રેસ મુખ્યમંત્રીનું નામ નક્કી
કરી શકી ન હતી. આ વિલંબ પાછળ કોંગ્રેસની આંતરિક
ખેંચતાણ હતી, કેમ કે મુખ્યમંત્રી પદ માટે વી. ડી. સતીશન ઉપરાંત કે. સી. વેણુગોપાલ અને રમેશ
ચેન્નિથલા પણ દાવેદાર હતા. ત્રણેના સમર્થક જોર લગાવી રહ્યા હતા. વી. ડી. સતીશન પરાવુર
બેઠક પરથી જીત્યા છે. તેઓ છઠ્ઠી વખત ધારાસભ્ય બન્યા છે. આ વખતે તેઓ 20600 મતથી જીત્યા હતા. પક્ષનાં નેતૃત્વવાળા મોરચાની
102 બેઠકના શાનદાર વિજયનું શ્રેય તેમને આપવામાં
આવે છે. કોંગ્રેસ નેતા દીપા દાસમુન્શીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, પક્ષની મળેલી બેઠકમાં પ્રમુખ
ખડગે, રાહુલ ગાંધીએ વિશદ
ચર્ચા બાદ સતીશનનાં નામને મંજૂરી આપી હતી. નામનું એલાન થયા બાદ સતીશને કહ્યું હતું કે, હું
આ પદને અંગત ઉપલબ્ધિ નહીં પરંતુ દૈવીય કૃપા ગણું છું. હું વેણુગોપાલ, રમેશ ચેન્નિથલા સહિત તમામ નેતાઓને વિશ્વાસમાં લઈને આગળ વધીશ.