મુંદરા, તા. 14 : પવનચક્કીઓ પર્યાવરણનો શોથ
વાળી રહી છે, પક્ષીસૃષ્ટિનો નાશ કરી રહી છે અને માનવસૃષ્ટિને પણ અનેકગણી પરેશાની છે
ત્યારે 36 વર્ષથી પશુ-પક્ષી, જળ અને પર્યાવરણની રક્ષા કરતા મુંદરા તાલુકાના પ્રાગપર
ચોકડી સ્થિત એન્કરવાલા આહિંસાધામ દ્વારા માંગ ઊઠી છે કે, તેમની સંસ્થાની આસપાસના પાંચ
કિલોમીટરના વિસ્તારને પર્યાવરણ ઝોન જાહેર કરીને પવનચક્કીઓને પ્રતિબંધિત કરવામાં આવે
તેમજ દરેક જિલ્લામાં પર્યાવરણ રક્ષાના ઝોન બનાવવામાં આવે અને આવા નક્કી કરેલા વિસ્તારોમાં
વૃક્ષારોપણ અને પશુ-પક્ષીનાં જતનનું જ કાર્ય થાય. સંસ્થાના મેનાજિંગ ટ્રસ્ટી મહેન્દ્રભાઈ
સંગોઈએ ગુરુવારે બોલાવેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, 200 લોકોની ટીમ સાથેની તેમની વિશાળ સંસ્થા પાંચ લાખ વૃક્ષો વાવી
ચૂકી છે અને વધુ પાંચ લાખ વૃક્ષો આગામી વર્ષમાં ઉછેર કરશે. તળાવ, નંદી સરોવર બનાવ્યા
છે. પણ હમણાં જોવામાં આવ્યું છે કે, મુંદરા
તાલુકામાં બહુ ઝડપભેર પવનચક્કીઓ વધી રહી છે.
આમ જ ચાલ્યું તો સંસ્થાના પર્યાવરણ
જતનનાં કાર્યોનો કોઈ અર્થ સરશે નહીં એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે. પવનચક્કીઓ
પક્ષીઓનો નાશ કરે છે, વાયુ પ્રદુષણ ઊભું કરે
છે, રાતે લોકો અવાજમાં ઊંઘ નથી લઈ શકતા ત્યારે
આસપાસના પાંચ કિલોમીટરના વિસ્તારમાં પવનચક્કીઓની મંજૂરી સરકાર ન આપે. આ મુદ્દે વડાપ્રધાન,
મુખ્યમંત્રી સહિત વિવિધ સ્તરે અમે લેખિત અનુરોધ પણ કરી રહ્યા છીએ. તાજેતરની પર્યાવરણવિદ્ અને આયુર્વેદ તજજ્ઞ ડો. હિતેશ જાનીની આહિંસાધામની મુલાકાતનો
ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, વર્ષોની અથાક મહેનત અને દાતાઓનાં અમૂલ્ય દાન થકી પર્યાવરણ જતનનું મુંદરા તાલુકામાં કાર્ય થઈ રહ્યું
છે. અમારા દસ લાખ વૃક્ષો ઉપરાંત ભુજપુરના પટ્ટામાં સદભાવના ટ્રસ્ટ દ્વારા પણ લાખો વૃક્ષોનો ઉછેર કરવામાં આવી રહ્યો છે. પણ બેરાજા
અને આસપાસના ગામોમાં છેલ્લા બે મહિનામાં સેંકડો નવી પવનચક્કીઓ ઊભી થયેલી દેખાય છે. સંસ્થાની આસપાસનો પાંચ કિલોમીટરનો વિસ્તાર પર્યાવરણ
ઝોન જાહેર કરવામાં આવે અને આ પ્રકારનું મોડેલ ગુજરાતના દરેક જિલ્લામાં વન રખાલો ઊભી
કરી વૃક્ષો વાવીને તૈયાર કરવામાં આવે. નહીં તો પક્ષીસૃષ્ટિ, વન્ય જીવસૃષ્ટિ નાશ પામી
જશે. પરિષદમાં સંસ્થાના ટ્રસ્ટી ડાહ્યાલાલભાઈ પટેલ, સીઈઓ ડો. ગિરીશભાઈ નાગડા, મેનેજર રાહુલભાઈ સાવલા
વગેરે ઉપસ્થિત રહ્યા હતા.