ધર્મશાલા, તા. 14 : તિલક વર્માના 33 દડામાં
અફલાતૂન 75 રન (અણનમ) અને આખરી ક્ષણોમાં વિલ જેક્સની ફટકાબાજી
(10 દડામાં 25 રન)ના સહારે મુંબઇ ઇન્ડિયન્સે અહીં 201 રનનું મોટું લક્ષ્ય 19.5 ઓવરમાં ચાર વિકેટે આંબીને આશ્વાસનરૂપ જીત મેળવી
હતી અને સળંગ પાંચમી હાર સાથે પંજાબ માટે પ્લેઓફની રાહ મુશ્કેલ બની હતી. રિકલટને 23 દડામાં ચાર ચોગ્ગા સાથે ઝડપી 48 રન કર્યા હતા પણ રોહિત શર્મા લયમાં નહોતો અને
26 દડામાં માત્ર 25 રને આઉટ થયો હતો. નમન ધીર (9) નિષ્ફળ રહ્યો હતો અને પંજાબ જીત માટે ફેવરિટ
હતું પણ તિલકે શાનદાર બેટિંગ કરી મુંબઇને વિજય અપાવ્યો હતો. તેણે છ ચોગ્ગા અને છ છગ્ગા
ફટકાર્યા હતા. ઓમરઝાઇએ 36 રનમાં
બે વિકેટ ઝડપી હતી. અગાઉ પંજાબ કિંગ્સના 20 ઓવરમાં 8 વિકેટે
200 રન થયા હતા. પ્રભસિમરન સિંઘની આક્રમક શરૂઆત
અને ડેથ ઓવર્સમાં પૂંછડિયા ખેલાડીઓના સારા યોગદાનથી પંજાબ કિંગ્સ ટીમ ધર્મશાલાની જીવંત
પીચ પર મુંબઇ ઇન્ડિયન્સ સામે 201 રનનો
પડકારરૂપ વિજય લક્ષ્યાંક મૂકવામાં સફળ રહી હતી. અઝમતુલ્લા ઓમરઝાઇની 38 રનની કેમિયો ઈનિંગ્સથી પંજાબે આખરી 3 ઓવરમાં અનુક્રમે 19, 22 અને 12 રન કરી પ3 રનનો
ઉમેરો કર્યો હતો. મુંબઇ તરફથી શાર્દુલ ઠાકુરે 39 રનમાં 4 વિકેટ
લીધી હતી. હાર્દિક પંડયા અને સૂર્યકુમાર યાદવની ગેરહાજરીમાં જસપ્રીત બુમરાહે મુંબઇની
કપ્તાની સંભાળી હતી. પ્રભસિમરને વધુ એક અર્ધસદી ફટકારીને 32 દડામાં 6 ચોગ્ગા અને 4 છગ્ગાથી ઝડપી પ7 રન
કર્યા હતા. તેના અને પ્રિયાંશ આર્ય (22) વચ્ચે પહેલી વિકેટમાં 33 દડામાં
પ0 રનની ભાગીદારી થઇ હતી. કૂપર કોનલીએ 21 રન કર્યા હતા અને પ્રભસિમરન સાથે બીજી વિકેટમાં
પ7 રનનો ઉમેરો કર્યો હતો. મિડલ ઓર્ડરમાં પંજાબનો
મધ્યક્રમ વિખેરાઇ ગયો હતો અને 33 રનમાં
6 વિકેટ ગુમાવી દીધી હતી. આ દરમિયાન કપ્તાન શ્રેયસ
અય્યર 4, સૂર્યાંશ શેગડે 8, શશાંકસિંહ 2 અને યાનસન 2 રને આઉટ થયા હતા. અંતમાં ઓમરઝાઇએ 17 દડામાં 2 ચોગ્ગા-4 છગ્ગાથી 38 રન, વિષ્ણુ વિનોદે 8 દડામાં 1પ અને બાર્ટલેરે 7 દડામાં
18 રન કરી પંજાબનો સ્કોર 200 રને પહોંચાડયો હતો. નવમી વિકેટમાં 12 દડામાં 34 રનનો ઉમેરો થયો હતો. દીપક ચહરને 2 વિકેટ મળી હતી. બુમરાહ ફરી વિકેટ વિહોણો રહ્યો
હતો.