• શુક્રવાર, 15 મે, 2026

મુરૂની સીમમાં પવનચક્કીમાંથી વાયર તફડાવનારી ટોળકી જબ્બે

ભુજ, તા. 14 : કચ્છમાં વિકાસનો પવન ફૂંકાતાં ખાનગી પવનચક્કીઓની કંપની દ્વારા ઠેર-ઠેર પવનચક્કીના પાંખડા ફરી રહ્યા છે. ત્યારે ચોર ઊચક્કાઓ પણ સક્રિય બનતાં વાયર ચોરીની ફરિયાદો સતત આવતી રહે છે. આ વચ્ચે નખત્રાણા તાલુકાના મુરૂની સીમમાં પવનચક્કીમાંથી વાયર તફડાવનારી ચોર ટોળકીને એલસીબીએ ઝડપી આ ચોરીનો ભેદ ઉકેલી લીધો છે. એલસીબીના પીએસઆઇ એમ.એચ. શીણોલની સૂચના મુજબ એ.એસ.આઇ. નીલેશભાઇ ભટ્ટ, અનિરુદ્ધસિંહ રાઠોડ, સુનીલભાઇ પરમાર, હે.કો. શક્તિસિંહ ગઢવી, જીવરાજભાઇ ગઢવી, લાખાભાઇ રબારી તથા કોન્સ. ભરતભાઇ ગઢવી અને વિરમભાઇ ગઢવી પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી કે, ફિરોઝ અજીજ પઠાણ અને સલીમ રમજુ સોઢા (રહે. બન્ને ભુજ) તેના કબજાની બલેનો કાર તથા એક લોડિંગ મહિન્દ્રા કંપનીની જીતોમાં કોપરના વાયરો ભરી સફેદ બલેનો તેનું પાઈલોટિંગ કરી રહી છે. ચોરી કે છળકપટથી મેળવેલા વાયરો તેઓના મળતિયા ભુજ તરફ સગેવગે કરવા આવી  રહ્યા છે. આ બાતમીના પગલે જીતો ગાડી નં. જી.જે.-05-બીએકસ- 6462 કિં. રૂા. એક લાખ અને તેમાં વાયરોના ગૂંચડા આશરે 180 કિ.ગ્રા. રૂા. 90,000 અને બલેનો કાર નં. જી.જે.-12- એફએફ-5407 કિં. રૂા. પાંચ લાખ એમ કુલ્લે રૂા. 6,90,000ના મુદ્દામાલ સાથે ઇમ્તીયાઝ સુલેમાન સંગાર, સલીમ રમજુ સોઢા, ફિરોઝ ઉર્ફે કારો અજીજ પઠાણ (રહે. ત્રણે ભુજ) અને મહજ ઉર્ફે મજીદ જુસબ ગગડા (રહે. નાના વરનોરા, તા. ભુજ)ને ઝડપી આ વાયરના આધાર પુરાવા કે બિલ બાબતે પૂછતાં ન હોવાનું જણાવ્યું હતું. આથી શક પડતી મિલકત તરીકે ઝડપી અટક કરી કાર્યવાહી હાથ ધરી હતી. નખત્રાણા પોલીસ મથકે મુરૂની સીમમાં આઇનોકસ કંપનીની પવનચક્કીમાંથી થયેલી વાયરચોરીનો આ મુદ્દામાલ હોવાનું સામે આવતાં આ ચોરીનો ભેદ ઉકેલાયો છે. આરોપી સલીમ સામે ભુજ અને પ્ર્રાગપરમાં જ્યારે ફિરોઝ વિરુદ્ધ ત્રણ ભુજમાં અને એક માનકૂવા પોલીસ મથકે અગાઉ ગુના નોંધાઇ ચૂકયા હોવાથી બન્ને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. 

Panchang

dd