નવી
દિલ્હી, તા.
14 : ઈરાન તણાવ વચ્ચે વધુ એક ભારતીય જહાજ હુમલાનો
ભોગ બન્યું છે. હોર્મુઝ ખાડીમાં કરાયેલા હુમલામાં ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાનું
`હાજી અલી' નામનું જહાજ દરિયામાં ડૂબી ગયું હતું.
જહાજ પર સવાર તમામ 14 ખલાસીઓને
બચાવી લેવાયા હતા. જહાજ પર હુમલાની ઘટનાની તીવ્ર નિંદા કરતાં વિદેશ મંત્રાલયે તેને
`અસ્વીકાર્ય ઘટના' ગણાવી હતી. મંત્રાલયે એક નિવેદનમાં
જણાવ્યું હતું કે, ઓમાન પાસે ભારતીય જહાજ પર જે હુમલો કરવામાં
આવ્યો છે તે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. વ્યાવસાયિક જહાજો અને નિર્દોષ નાવિકો પર વારંવાર
હુમલા નિંદનીય છે. સરકારે સ્પષ્ટ કર્યું હતું કે, જહાજ પરના તમામ
ભારતીય નાગરિક સુરક્ષિત છે. મંત્રાલયે નાવિકોનો બચાવ કરનારા ઓમાનના અધિકારીઓનો આભાર
માન્યો હતો. ભારતે વધુ એક વખત અંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ સમુદ્રી વ્યાપાર માર્ગોની
સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી હતી. મંત્રાલયે જણાવ્યું હતું કે, વ્યાવસાયિક નૌવહનને નિશાન બનાવવા, નિર્દોષ નાગરિકોની
જિંદગી જોખમમાં મૂકવા કે નૌવહનની સ્વતંત્રતા અને વાણિજ્યને બાધિત કરવાથી બચવું જોઈએ.
ભારતે સ્પષ્ટ કર્યું હતું કે, તે સમુદ્રી સુરક્ષાના મુદ્દા પર
અંતરરાષ્ટ્રીય સહયોગ વધારવા અને અંતરરાષ્ટ્રીય સમુદ્રી કાયદાઓનું કડકાઈથી પાલન સુનિશ્ચિત
કરવા માટે પ્રતિબદ્ધ છે. ઉલ્લેખનીય છે કે, ભારત દુનિયાનો અગ્રણી
વ્યાપારિક દેશ છે અને તેનો આશરે 95 ટકા વ્યાપાર સમુદ્રી માર્ગોથી થાય છે. પેટ્રોલિયમ, રસાયણ, ખાદ્યપદાર્થ અને અન્ય આવશ્યક વસ્તુઓનું પરિવહન આ માર્ગો પર નિર્ભર હોય છે.
વિદેશ મંત્રાલયે આ ઘટનામાં સામેલ તમામ પક્ષોને સંયમ દાખવવા અને અંતરરાષ્ટ્રીય કાયદાઓનું
સન્માન કરવાનો અનુરોધ કર્યો હતો. સૂત્રો અનુસાર ભારતીય નૌસેના અને તટરક્ષક દળ પણ ક્ષેત્રમાં
નજર રાખી રહ્યા છે. મળતી વિગત મુજબ ઈરાન યુદ્ધ વચ્ચે હોર્મુઝની ખાડીમાંથી `હાજી અલી' નામનું જહાજ ગઈકાલે પસાર થઈ રહ્યું
હતું તે વખતે ડ્રોન કે મિસાઈલ જેવા હથિયારની ટક્કરથી જહાજમાં આગ લાગી હતી. જો કે ઓમાનના
તટરક્ષક દળે તમામ 14 સભ્યને
બચાવી લીધા હતા. દ્વારકા નિવાસી જહાજ માલિક સુલતાન અહેમદ અન્સારે જણાવ્યું હતું કે, એમએસવી હાજી અલી બેરબેરા બંદરેથી
શારજાહ જઈ રહ્યું હતું તે સમયે વહેલી સવારે 3:30 કલાકે ઓમાનના તટ નજીક હુમલાનો ભોગ બન્યું હતું.
ઉલ્લેખનીય છે કે,
આ પહેલાં સાતમી મેના હોર્મુઝની ખાડીમાંથી પસાર થઈ રહેલું ગુજરાતના દ્વારકાનું
જ એક માલવાહક જહાજ એમએસવી અલ ફૈઝ નૂરે સુલેમાની-1 પણ અમેરિકા અને ઈરાની નૌસેના વચ્ચેના ગોળીબારની
ચપેટમાં આવી ગયું હતું.