• શુક્રવાર, 15 મે, 2026

ગાંધીધામ-આદિપુરના ત્રણ બગીચાઓનું કામ મંથરગતિએ

ગાંધીધામ, તા. 14 : ગાંધીધામ આદિપુરમાં ત્રણ કરોડથી વધુના ખર્ચે ત્રણ બગીચાઓનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ કામગીરી સાવ ધીમી ગતિએ થઈ રહી છે. જેનાં કારણે નાગરિકો માટે મનોરંજન સ્થળ દોહ્યલું બની રહ્યું છે. બગીચાઓમાં થતી કામગીરી ઉપર દેખરેખનો અભાવ વર્તાઈ રહ્યો છે, જેનાં કારણે ગુણવત્તાઓ ઉપર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. શહેરની મધ્યમાં આવેલા શિવાજી પાર્ક બગીચાનું એક કરોડથી વધુના ખર્ચે નવીનીકરણ થઈ રહ્યું છે. અહીં આગળનો રોડ પણ સારો નથી. કલ્વર્ટ નાળાંની કામગીરી પછી માટી વ્યવસ્થિત કરવામાં આવી નથી. તો બગીચામાં જે રીતે કામગીરી થવી જોઈએ તે થતી નથી.  અગાઉ આ બગીચાનું લગભગ 25 લાખ રૂપિયાના ખર્ચે નવીનીકરણ થયું હતું. હાલના સમયે એક કરોડથી વધુનો ખર્ચ છે. દેખરેખના અભાવનાં કારણે એજન્સી મનસ્વી રીતે કામગીરી કરી રહી હોવાના આક્ષેપો શહેરના પ્રબુદ્ધ નાગરિકો કરી રહ્યા છે. આવી જ સ્થિતિ ટાગોર પાર્કની છે. આ બગીચો વ્યવસ્થિત હતો. લાખો રૂપિયાના ખર્ચે તેનું નવીનીકરણ કરાયું હતું, થોડા રૂપિયામાં જ બગીચો આધુનિક બની શકે તેમ હતો અને વ્યાપક ખર્ચ પણ બચી શકે તેમ હતો, પણ આવું થયું નથી. એક કરોડથી વધુના ખર્ચે આ બગીચાનું નવીનીકરણ થાય છે. અહીં પણ કામગીરી ધીમી ગતિએ થઈ રહી છે.  જૂન પહેલાં કામગીરી પૂરી થાય તેવી કોઈ સંભાવના દેખાતી નથી, જેનાં કારણે વૈશાખી તાપમાનમાં લોકો માટે સાંજના સમયે મનોરંજન સ્થળ દોહ્યલું બની રહ્યું છે.  આદિપુર બસ સ્ટેન્ડ પાસેના બગીચાની પણ આવી જ સ્થિતિ છે. સમયમર્યાદામાં કામો પૂર્ણ થાય તે દિશામાં કામગીરી થતી ન હોવાનું લોકો કહી રહ્યા છે. આધુનિક બગીચાઓ બનાવવાના છે, પણ જે રીતે કામગીરી થઈ રહી છે તેમાં આધુનિકતા ઓછી અને જૂની પદ્ધતિ મુજબ બગીચાઓ બનતા હોવાના નાગરિકોના આક્ષેપો છે. સૌથી વધુ તાપમાન ધરાવતા આ શહેરોમાં હાલના સમયે મનોરંજન સ્થળ દોહ્યલું બનતાં લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. સવારે વાકિંગ થઈ શકતું નથી અને સાંજના સમયે બાળકોને બગીચાઓમાં રમવાનો લહાવો મળતો નથી. લોકો સારા બગીચાઓ મળી રહે તેવી માંગ કરી રહ્યા છે. - કામ કરતાં વધુ બિલ મુકાયાની ચર્ચા : બગીચાઓમાં થઈ રહેલી કામગીરી કરતાં બિલ વધુ મૂકવામાં આવ્યું હોવાની ચર્ચા છે. જો કે, ત્યાર પછી સિટી ઈજનેર દ્વારા સમીક્ષા કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. તે પછી સંબંધિત એજન્સી દોડધામમાં પડી હોવાનું જાણવા મળી રહ્યું છે. એજન્સીના જવાબદારો મહાપાલિકામાં બેસીને પાલિકાની સ્ટેશનરી અને સાધન સામગ્રીનો ઉપયોગ કરતા હોવાની ચર્ચા લોબીમાં થઈ રહી છે.  મહાનગરપાલિકાનો એન્જિનીયારિંગ વિભાગ નિષ્ફળ હોવાના આક્ષેપો છે. આ તમામ બાબતોને ઉચ્ચ અધિકારીઓ સંજ્ઞાનમાં લે તેવી માંગ જાગૃત દ્વારા થઈ રહી છે. 

Panchang

dd