બીજિંગ, તા.14 : ચીનનાં બે દિવસના પ્રવાસે પહોંચેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું
ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગે લાલજાજમ પાથરીને ભવ્ય સ્વાગત કર્યું હતું અને દુનિયાની
બે મહાશક્તિ વચ્ચે થયેલી વાટાઘાટમાં ઈરાનને જેની આશંકા હતી એવો મોટો ઝટકો લાગ્યો હોવાનાં
વાવડ મળી રહ્યાં છે. ટ્રમ્પ અને જિનપિંગ વચ્ચે થયેલી ઐતિહાસિક મંત્રણામાં બન્ને નેતાઓ
વચ્ચે એ બાબતે સહમતી બની હતી કે ઈરાન પાસે પરમાણુ શત્રો હોવા જોઈએ નહીં. આ ઉપરાંત હોર્મુઝ
જળમાર્ગનું સશત્રીકરણ ન થવું જોઈએ અને આ માર્ગ ખૂલવો જોઈએ તેવી પણ સહમતી બન્ને પક્ષે
બની હોવાનું કહેવામાં આવે છે. જો કે હજી સુધી અમેરિકા કે ચીન તરફથી આ અંગે કોઈ અધિકૃત
પ્રતિક્રિયા આપવામાં આવી નથી પણ ચીન અને અમેરિકા વચ્ચે આવી કોઈ સહમતી થઈ હોય તો ઈરાન
તેને કબૂલ રાખશે કે નહીં તે પણ મોટો સવાલ ઉભો થઈ ગયો છે. જો કે, જીનપિંગે તાઇવાન મુદે્ ટ્રમ્પને ચેતવણી પણ આપી દીધી હતી. વ્હાઈટ હાઉસના
અધિકારીઓના હવાલેથી આવતા અહેવાલો અનુસાર ટ્રમ્પ અને જિનપિંગ વચ્ચે થયેલી ઉચ્ચસ્તરીય
બેઠકમાં ઈરાનનો મુદ્દો કેન્દ્ર સ્થાને રહ્યો હતો. બન્ને પક્ષ એક બાબતે સહમત થયા હતા
કે, તહેરાન, વોશિંગ્ટન અને ઈઝરાયલ વચ્ચે
નાજુક યુદ્ધવિરામને ધ્યાને રાખીને ઈરાનનું પરમાણુ શક્તિ બનવું દુનિયા માટે ખતરનાક સાબિત
થઈ શકે છે. ટ્રમ્પે જિનપિંગને ઈરાન ઉપર પોતાનાં આર્થિક પ્રભાવનો ઉપયોગ કરીને પ્રાદેશિક
સ્થિરતા જાળવી રાખવામાં મદદરૂપ થવા અપીલ પણ કરી હતી. આ ઉપરાંત હોર્મુઝ ખુલ્લો રાખવા
માટે પણ બન્ને પક્ષ સહમત થયા હતાં. વ્હાઇટ હાઉસે નિવેદન જારી કરીને કહ્યું હતું કે,
ઊર્જાનો નિર્બાધ પુરવઠો જાળવી રાખવા માટે આ સમુદ્રી માર્ગ ખુલ્લો રહેવો
અનિવાર્ય છે. જિનપિંગે પણ સ્પષ્ટ કર્યું હતું કે, ચીન આ માર્ગનાં
સૈન્યીકરણની વિરુદ્ધ છે. ચીન આ માર્ગથી પસાર થતાં જહાજો ઉપર કોઈપણ પ્રકારનાં ટોલ વસૂલવાનાં
પ્રયાસોની પણ ખિલાફ છે. આમાં સૌથી રસપ્રદ વળાંક એવો આવ્યો છે કે, ચીને હોર્મુઝ ઉપર પોતાની નિર્ભરતા ઘટાડવા માટે અમેરિકા પાસેથી વધુ ઓઈલ ખરીદવામાં
પણ રુચિ બતાવી દીધી છે. જો કે બીજિંગનાં ગ્રેટ હોલ ઓફ ધ પીપલમાં અમેરિકા અને ચીન વચ્ચે
થયેલી આ ઐતિહાસિક બેઠકમાં બન્ને દેશ વચ્ચે તનાવ અને દોસ્તી બન્નેની ઝલક દેખાઈ હતી.
જિનપિંગે વાટાઘાટની શરૂઆત તો સહયોગ અને ભાગીદારીની વાતોથી કરી હતી પણ તાઈવાનનો મુદ્દો
આવતાં તેમનું વલણ કડક થઈ ગયું હતું. જિનપિંગે ટ્રમ્પને કહ્યું હતું કે, તાઈવાનનો મુદ્દો ચીન અને અમેરિકાના સંબંધોમાં સૌથી સંવેદનશીલ મુદ્દો છે. જો
આ મુદ્દો યોગ્ય રીતે સંભાળવામાં આવે તો બન્ને દેશના સંબંધ સ્થિર રહેશે પણ જો આમાં કોઈ
ખોટી રીતે દખલ થશે તો બન્ને દેશ વચ્ચે ટકરાવ કે ઘર્ષણ પણ થઈ શકે છે. જિનપિંગે કહ્યું
હતું કે, તાઈવાનની આઝાદી અને તાઈવાન સ્ટ્રેટમાં શાંતિ બન્ને એક
સાથે ચાલી શકશે નહીં. ઉલ્લેખનીય છે કે,
ચીન સતત તાઈવાનને પોતાનો અભિન્ન હિસ્સો ગણાવતું આવ્યું છે. ટ્રમ્પ અને
જિનપિંગ વચ્ચે પહેલી બેઠક આશરે બે કલાક કરતાં વધુ સમય ચાલી હતી. જેમાં જિનપિંગે કહ્યું
હતું કે, બન્ને દેશોએ પ્રતિદ્વંદ્વી નહીં બલકે ભાગીદાર હોવું
જોઈએ.