• શુક્રવાર, 15 મે, 2026

પોતાની સલાહનું પાલન; મોદીનું ઉમદા ઉદાહરણ

વિશ્વના મોટાભાગના રાજનેતાઓ તેમના દેશના નાગરિકોને વિવિધ મુદ્દે સલાહ આપવાનો પોતાનો અધિકાર હોવાની નીતિ-રીતિ ધરાવતા રહ્યા છે. આમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક અલગ પહેલ કરીને દેશ અને દુનિયામાં ફરી એક વખત પોતાની નામનાને નવો ઓપ આપ્યો છે. ઈરાન અને અમેરિકાના જંગની અસર તળે વૈશ્વિક અર્થતંત્રો સામે ઊભાં થયેલાં જોખમ વચ્ચે વડાપ્રધાન મોદીએ દેશના નાગરિકોને ઈંધણની બચત, જાહેર પરિવહન વ્યવસ્થાના ઉપયોગ, વિદેશ પ્રવાસ અને સોનાંની ખરીદી ટાળવા જેવી સલાહ આપ્યાના ગણતરીના દિવસોમાં તેમણે પોતે તેમનાં વાહનોના કાફલામાં મોટો કાપ મૂકીને તેને મર્યાદિત કરવાનું અનુકરણીય પગલું લીધું છે. સ્વાભાવિક રીતે દેશના અન્ય રાજનેતાઓ હવે આવાં પગલાંને અપનાવવા આાગળ આવી રહ્યા છે.  વડાપ્રધાને સાત મુદ્દાની સલાહ આપી તે પછી પોતાનાં વાહનોના કાફલાને બે કાર પૂરતો મર્યાદિત કરીને નવી પહેલ કરી છે. હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત કેન્દ્રીય મંત્રીઓ, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને મંત્રીઓ તેમને અનુસરતા થયા છે.  દિલ્હીમાં રાજ્ય સરકારના મંત્રીઓએ તો જાહેર પરિવહન સેવાનો ઉપયોગ પણ શરૂ કરી દીધો છે. ગુજરાતમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે એસ.ટી. બસ અને ટ્રેનમાં મુસાફરી કરવાનો નિર્ણય લીધો છે.  મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વાહનોના કાફલાને ઘટાડી નાખ્યો છે, તો નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ તેમને અનુસરવાની સાથોસાથ પોતાના આગામી અમેરિકા પ્રવાસને રદ કર્યો છે.  મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં મંત્રીઓ અને અધિકારીઓએ વાહનોના કાફલામાં ઘટાડો કરવાની સાથોસાથ કામકાજ ઈ-બેઠકો દ્વારા હાથ ધરવા, ઈ-વાહનોનો ઉપયોગ કરવા જેવાં પગલાં લેવા શરૂ કરી દીધાં છે.   ભારત પાસે પૂરતા પ્રમાણમાં તેલ અને ગેસનો જથ્થો છે, પણ ભારે વસ્તી અને વિશાળ વિસ્તાર ધરાવતા દેશમાં ઈંધણની ખપત પણ ઘણી છે. તેમાં ક્રૂડતેલનો મસમોટો જથ્થો આયાત કરવાની ફરજ પડતી રહી છે. દુનિયામાં ક્રૂડના ભાવો વધે એટલે તેની સીધી અસર દેશનાં અર્થતંત્ર પર અનુભવાતી રહી છે. હાલની ઈરાન કટોકટીને લીધે દુનિયામાં ક્રૂડતેલના ભાવો આસમાને છે તેવા સમયે વડાપ્રધાનની આ સલાહ અને જાતઅનુસરણ દેશ માટે ભારે મહત્ત્વ ધરાવે છે. તેઓ કે અન્ય મંત્રીઓ વાહનોના કાફલામાં કાપ મૂકવા જેવાં પગલાં લે તેનાથી સીધી મોટી આર્થિક બચત ન થાય, પણ અન્યોને મળતી પ્રેરણા મોટી અસર ઊભી કરે છે. વડાપ્રધાનની દરેક વાતમાં વાંધો અને વિરોધ કરતા વિપક્ષના નેતાઓ હવે કરકસરનાં પગલાંનું મહત્ત્વ સમજીને પોતાની રાજાશાહી જીવનશૈલીમાં કાપ મૂકવા આગળ આવે છે કે નહીં તે ખાસ જોવાનું રહેશે. આ વખતે તેમની પાસે મોદીની વાતમાં સૂર પુરાવ્યા સિવાય બીજો કોઈ વિકલ્પ જણાતો નથી. બાકી સોનું ખરીદવા સામે વડાપ્રધાનની સલાહથી દેશમાં સોનાં-ચાંદીની બજારો પર અસર પડશે, પણ તેનાથી મધ્યમવર્ગને પણ દેશની સાથોસાથ પોતાનાં પારિવારિક બજેટને જાળવવાની તક પણ મળશે એ વાત નક્કી છે.સ્થિતિ ગંભીર થાય તો આકરા નિર્ણય લેવા પણ પડે. સરકારનો વિરોધ કે અસંમતિનો પ્રશ્ન નથી, પરંતુ જે પગલાં લેવાયાં છે તેનો અમલ કેટલા લોકો કરી શકે? તે પણ જોવું જરૂરી છે. વર્ક ફ્રોમ હોમનો અનુભવ કોરોના વખતે આપણને થઈ ગયો છે. લોકોનું સામાજિક પ્રત્યાયન તદ્દન તળિયે ગયું હતું. બીજી વાત એ છે કે, મંત્રી, નેતા માટે મોટરકારનો વિકલ્પ બાઈક હોઈ શકે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ કારને બદલે બાઈક ઉપર ફરતા હોવાનો વીડિયો વાયરલ છે, પરંતુ મધ્યમ વર્ગના લોકો, કર્મચારીઓ, ડિલિવરી બોય સહિતના લોકો માટે તો બાઈક જ પરિવહનનું સાધન છે. બાઈકનો વિકલ્પ શું? આ તમામ તર્ક અને સવાલ પછી પણ એટલું નક્કી છે કે, વડાપ્રધાને પણ પોતે ઈંધણ ઉપયોગની કરકસર શરૂ કરી છે, પ્રધાનો તેમને અનુસરી રહ્યા છે. પ્રજા જરૂરી પરિવહન કદાચ ઘટાડી ન શકે, પરંતુ આપણે પોતે જ આપણું ઓડિટ કરીએ તો ખ્યાલ આવે કે, ક્યાં-ક્યાં આપણે વાહનના વધારે ઉપયોગમાં કાપ મૂકી શકીએ ! આપણી જીવન પદ્ધતિ જે રીતે ગોઠવાઈ છે તે જોતાં આ અઘરું છે, પરંતુ જે આજે નહીં ને કાલે કરવાનું જ છે તે ફરજિયાત કરવાને બદલે સ્વેચ્છાએ થઈ જાય તો વધારે સરળ રીતે થઈ શકશે.  

Panchang

dd