ભુજ, તા. 14 : અબડાસાના વાઘાપદ્ધરમાં ફેક્ટરીની જમીનનું ભાડું
ચડત થતાં છ માસ પૂર્વે હુમલો કરી ફેક્ટરી બંધ કરાવી હતી અને રો-મટીરિયલ ચોરી કરી વેચી
દીધા બાદ પાછળથી સમાધાન કરવાનું જણાવી ચાર લાખ લેવા છતાં ફેક્ટરી ચાલુ ન કરવા દેતાં
ધાકધમકી કર્યાની ચાર સામે ફરિયાદ નોંધાવાઇ છે. આ અંગે આજે વાયોર પોલીસ મથકે મૂળ પંજાબના
રાકેશ તરશેનલાલ જોષીએ આરોપી સિકંદર મીઠુબાવા પઢિયાર (ભુજ), લાલુભા પઢિયાર (વાઘાપદ્ધર)
તથા અંકિત અને અજાણ્યા શખ્સ સામે નોંધાવેલી ફરિયાદ મુજબ વાયોરમાં ફરિયાદીને કાર્બન
પાઉડરની ફેક્ટરી ચાલુ કરવાની હોતાં ચાર વર્ષ પૂર્વે ભાડાકરારથી વાઘાપદ્ધરની સીમમાં
જમીન સિકંદર મીઠુબાવા પઢિયાર પાસેથી લીધી હતી. ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાનું ભાડું
ચડત થતાં 13/10/25ના
ફેક્ટરી પર આરોપીઓ આવી ઠેકેદારો-મજૂરો સાથે ગાળાગાળી-ઝઘડો કરી બધાને ભગાડી દીધા હતા.
ફરિયાદી સિકંદર પાસે જતાં તેણે માથું ભટકાવી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી
હતી. ડરથી ફરિયાદી પંજાબ ચાલ્યો ગયો હતો. આ બાદ સિકંદર અને તેના મળતિયાઓએ ફેક્ટરીમાં
અપપ્રવેશ કરી રેડી મટીરિયલ ચોરી વેચી નાખ્યો હતો. આ બાદ સિકંદર સાથે સમાધાનની વાત થતાં
ચાર લાખ સિકંદરને આપવા છતાં ફેક્ટરી ચાલુ કરવા ન દીધી અને માણસોને ટાંટિયા તોડી નાખવાની
ધમકી આપી હતી. વાયોર પોલીસે વિવિધ કલમો તળે ગુનો દાખલ કરી તજવીજ આદરી છે.