ગાંધીધામ, તા. 14 : શહેરના કાસેઝમાં આવેલી એક કંપનીના નામે જુદી જુદી વેબસાઇટ બનાવી તેમાં આ કંપનીનું
સરનામું નાખી ગ્રાહકો પાસેથી એડવાન્સમાં પૈસા મેળવી અને કંપનીના નામે ખોટા ઇલેક્ટ્રોનિક
રેકર્ડ ઉભા કરનારા અજાણ્યા શખ્સો સામે સાયબર પોલીસ મથક બોર્ડર રેન્જ ખાતે ફરિયાદ નોંધાઇ
હતી. શહેરના કાસેઝમાં આવેલી વિષ્ણુ એક્સપોર્ટ નામની પેઢીના મેનેજર શ્રેયાંશ જૈન પ્રકાશ
ઠાગાએ આ બનાવ અંગે ફરિયાદ કરી હતી. આ પેઢી કાસેઝમાં 2013થી છે. આ પેઢી ગુટખા બનાવી તેને વિદેશમાં નિકાસ
કરે છે. અહીં તેનું વેચાણ કરતી નથી. કંપનીએ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર કોઇ જ પ્રોફાઇલ કે
વેબસાઇટ બનાવી નથી. વર્ષ 2023માં
મોહમ્મદ ફૈઝલ નામનો શખ્સ ફરિયાદી પાસે આવ્યો હતો અને તેણે વિમલ પાનમસાલા ખરીદવા ઓર્ડર
પેટે પૈસા ચૂકવ્યા હોવા છતાં માલ નથી પહોંચાડયો તેવી વાત કરી હતી અને વિષ્ણુ એક્સપોર્ટના
ખોટા લેટરપેડવાળું બીલ રજૂ કર્યું હતું તથા વિષ્ણુ એક્સપોર્ટ નામની ઇન્સ્ટાગ્રામ આઇ.ડી., થ્રેડ, ફેસબૂકની પ્રોફાઇલના ક્રીનશોટ પણ બતાવ્યા હતા. આ અંગે ફરિયાદીએ જે તે સમયે
સાયબર ક્રાઇમ ગાંધીધામમાં અરજી કરી હતી અને પોલીસે દિલ્હીના આ મોહમ્મદ ફૈઝલને બોલાવતાં
તે ન આવતાં આગળ કોઇ કાર્યવાહી કરાઇ નહોતી. બાદમાં 2025માં આ કંપનીના નામે જુદી જુદી ત્રણેક વેબસાઇટ
બનાવી તેમાં ઇ-મેઇલ આઇ.ડી. નાખી અને સરનામું વિષ્ણુ એક્સપોર્ટનું નાખવામાં આવ્યું હતું
તેમજ કોન્ટેક્ટ અસમાં જુદા જુદા મોબાઇલ નંબર પણ આપવામાં આવ્યા હતા અને પેઢી પ્રોપરાઇટરશિપવાળી
બતાવવામાં આવી હતી. પરંતુ કાસેઝની આ પેઢી ભાગીદારીવાળી છે તેમજ એક વેબસાઇટમાં ધરમાની
હેની તથા બીજીમાં અરુણ શર્મા નામ બતાવાયું હતું. આવી કોઇ વ્યક્તિ અહીંની કંપનીમાં ન
હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું. અજાણ્યા શખ્સોએ ગ્રાહકો પાસેથી એડવાન્સમાં પૈસા મેળવી
ઠગાઇ કરવાના ઇરાદાથી કાસેઝની કંપનીના ઇલેક્ટ્રોનિક ખોટા આધારો ઊભા કર્યા હતા. પોલીસે
ગુનો નોંધી પી.આઇ. મહેશકુમાર હોશિયારસિંહ યાદવે આગળની તપાસ હાથ ધરી છે.