• શુક્રવાર, 15 મે, 2026

ભુજના પ્રશ્નો સાથે વિપક્ષ મેદાનમાં પણ સત્તાપક્ષમાં હોદ્દાની જોવાતી રાહ

ભુજ, તા. 14 : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામો જાહેર થયા બાદ ભુજમાં વિપક્ષી નગરસેવકો લોકસમસ્યાઓને લઈ મેદાનમાં ઊતરી ગયા છે પણ ભાજપ દ્વારા નગરપાલિકાના પદાધિકારીઓ તેમજ શાખાના ચેરમેન જાહેર ન થતાં હજુ સુધી સત્તાપક્ષના ચૂંટાયેલા અમુક જ નગરસેવકો સુધરાઈ કચેરીએ આવે છે અને લોકોને પોતાની સમસ્યા ઉકેલવા હજુ પણ પૂર્વ પદાધિકારીઓ-નગરસેવકોને જ કહેવું પડતું હોવાનું જાણવા મળ્યું છે. ભુજ નગરપાલિકાની ચૂંટણીનાં પરિણામો જાહેર થયાં બાદ સત્તાપક્ષ દ્વારા પદાધિકારીઓની હજુ સુધી જાહેરાત કરાઈ નથી પણ વિપક્ષી નગરસેવકોએ લોકલક્ષી સમસ્યાઓ સાથે મોરચો સંભાળી લીધો છે. પદાધિકારીઓ તથા વિવિધ શાખાના ચેરમેનની નિમણૂક થઈ ન હોવાથી ભુજ નગરપાલિકાનું તંત્ર આડેધડ ચાલી રહ્યું હોવાની લોકો વ્યાપક ફરિયાદો કરી રહ્યા છે. પાણી વિતરણમાં કાપ, સફાઈનો અભાવ, જર્જરિત બનેલા માર્ગોનું મરંમતકામ, રોડલાઈટ, ગટર સમસ્યા સહિતની સમસ્યાઓથી લોકો ત્રસ્ત બન્યા છે. આ પ્રશ્નો લઈ હાલમાં તો કોંગ્રેસના નગરસેવકો મુખ્ય અધિકારી સમક્ષ ઊગ્ર રજૂઆતો કરી રહ્યા છે. પણ નવા સી.ઓ. શહેરની સમસ્યા ઉકેલવામાં હજુ સક્ષમ થયા ન હોવાનો ગણગણાટ પણ  જાગૃત નાગરિકોમાં ચર્ચાઈ રહ્યો છે. જો કે, આગામી 19મીએ ભુજ સહિત નગરપાલિકાના પદાધિકારીઓની જાહેરાત સત્તાપક્ષ દ્વારા કરાય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે અને ત્યારબાદ ભુજ સુધરાઈનો વહીવટ થાળે પડે તેવું લાગી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, લોકોએ વિશ્વાસ મૂકી મત આપ્યા છે ત્યારે સત્તાપક્ષના નગરસેવકોની ફરજ બને છે કે તેમને હોદ્દો ભલે ન મળ્યો હોય પણ લોકોની ફરિયાદો ઊકેલવા કાર્યરત થઈ જવું જોઈએ અને કચેરીએ પણ પગલાં કરવાં જોઈએ તેવી લાગણી લોકોમાં ફેલાઈ છે. 

Panchang

dd