ચેન્નાઈ, તા.2 : અણનમ અર્ધસદી કરનાર સુકાની ઋતુરાજ ગાયકવડા
(67)ની કેપ્ટન ઈનિંગ્સના બળે આઠ વિકેટે વિજય મેળવતા
ચેન્નાઈ સુપર કિંગ્સે શનિવારે બીજીવાર મુંબઈ ઈન્ડિયન્સને હાર આપી હતી. સુપર કિંગ્સે
160 રનનું લક્ષ્ય 11 દડા બાકી હતા ત્યારે જ માત્ર બે વિકેટે આંબી
લીધું હતું. આજે ચેન્નાઈએ ચોથી જીત મેળવી હતી, તો ચાલુ સિઝનમાં સાતમીવાર હારનો સામનો કરનાર મુંબઈ માટે પ્લેઓફ
સુધી પહોંચવાનો પંથ લગભગ અસંભવ બની ગયો છે. ઋતુરાજે પાંચ ચોગ્ગા, બે છગ્ગા સાથે 48 દડામાં
67 રન ફટકાર્યા હતા. તો કારકિર્દીની પ્રથમ અર્ધસદી
કરનાર કાર્તિક શર્માએ 40 દડામાં ચાર ચોગ્ગા, ત્રણ છગ્ગા સાથે 54 રન કર્યા હતા. ઉર્વિલ પટેલે 12 દડામાં બે ચોગ્ગા, બે છગ્ગા સાથે 24 રનનો ઉપયોગી ઉમેરો કર્યો હતો. ચેન્નાઈએ 19મી ઓવરના પહેલા દડે કાર્તિકના ચોગ્ગા સાથે જીત
મેળવી હતી. અગાઉ મુંબઈએ 20 ઓવરમાં
સાત વિકેટે 159 રન કર્યા હતા. મુંબઈ તરફથી નમન ધીરે અર્ધસદી
કરી હતી. જ્યારે ચેન્નઈ તરફથી અંશુલ કમ્બોજે ત્રણ વિકેટ લીધી હતી. મુંબઈને બીજી ઓવરમાં
વિલ જેક્સના રૂપમાં પહેલો ઝટકો લાગ્યો હતો. તે માત્ર એક રન કરીને આઉટ થયો હતો. બાદમાં
રિયાન રિકલ્ટનની વિકેટ પડી હતી. રિકલ્ટને અમુક મોટા શોટ્સ રમ્યા હતા અને 24 બોલમાં પાંચ છગ્ગાની મદદથી 37 રન કર્યા હતા. વન ડાઉન આવેલા નમન ધીરે સારૂ
પ્રદર્શન કરતા 37 બોલમાં 4 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 57 રન કર્યા હતા. જેનો સાથ સુર્યકુમારે આપવાની
કોશિશ કરી હતી પણ 21 રન
કરીને આઉટ થયો હતો. હાર્દિક પંડયા પણ ખાસ રમત બતાવી શક્યો નહોતો અને 23 બોલમાં 18 રન કર્યા હતા. જેના પરિણામે મુંબઈ મોટો સ્કોર કરી શક્યું
નહોતું.