કુલદીપ
દવે દ્વારા : ગાંધીધામ, તા. 2 : ઔદ્યોગિક ક્ષેત્રે વિકસિત પૂર્વ કચ્છ અને જિલ્લાના
અન્ય વિસ્તારોમાં મોટી આગ, કુદરતી આપદા સાથે વિવિધ પ્રકારના આપત્તિજનક સંજોગોમાં જરૂરિયાતમંદોને મદદ મળી રહે તેવી સજ્જતા સાથે રાજ્ય સરકાર દ્વારા ગાંધીધામમાં ઈમરજન્સી રિપોન્સ
સેન્ટર (ઈઆરસી) સેન્ટરની સ્થાપના કરાઈ હતી, પરંતુ કટોકટીના સમય માટે ઊભું કરાયેલું સેન્ટર શરૂઆતના
તબક્કાથી સ્ટાફ ઘટની સમસ્યાથી પીડાય છે, ત્યારે રાજ્ય સરકાર
દ્વારા આ ઈઆરસી સેન્ટરમાં કાયમી સ્ટાફ
ભરતી માટે સત્વરે કાર્યવાહી કરવાની તાતી જરૂરિયાત હોવાનું વર્તમાન સંજોગો ચાડી ખાઈ
રહ્યા છે. - 56ના મહેકમ સાથે નિર્માણ પામ્યું હતું : કંડલામાં ઓઈલ
ટર્મિનલમાં લાગેલી ભીષણ આગ બાદ ઈઆરસી સેન્ટર કાર્યરત કરવા નિર્ણય લેવાયો હતો, જે અંતર્ગત કચ્છના આર્થિક પાટનગર
તરીકે જાણીતા ગાંધીધામ સંકુલમાં આ સેન્ટરની
કુલ 56 મંજૂર કર્મચારીઓના મહેકમ સાથે સ્થાપના કરાઈ
હતી. દર્શાવેલા મહેકમ મુજબ અહીં પૂર્ણ ભરતી
થઈ જ નથી, જેના
કારણે શરૂઆતના તબક્કાથી આ સેન્ટર અપૂરતા સ્ટાફના કારણે ખુદ આપત્તિજનક સંજોગોમાં ચાલી
રહ્યું છે.
કચ્છમાં
કોઈ પણ પ્રકારની કટોકટીજનક સ્થિતિ નિર્માણ પામે, ત્યારે ગાંધીધામની આ કેન્દ્રની ટુકડી ઝડપભેર મદદે પહોંચી શકે અને બચાવ
કામગીરી કરી શકે માટે અહીં આધુનિક સાધનોની પણ ફાળવણી કરાઈ હતી.
હાલ
થોડો અને તે પણ હંગામી સ્ટાફ
વર્તમાન
સમયમાં એક સ્ટેશન ઓફિસર,
ત્રણ ફાયરમેન અને બે ડ્રાઈવર કમ ઓપરેટર સહિત છ જણ હંગામી ધોરણે ફરજ બજાવી
રહ્યા છે. હાલના સ્ટાફની સ્થિતિને જોતાં આટલો સ્ટાફ આપત્તિજનક સ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ છે ખરો
તેવો સવાલો લોકોને સતાવી રહ્યો છે.
નોંધપાત્ર
છે કે, અપૂરતા
સ્ટાફઘટથી પીડાતાં આ સેન્ટરમાં ખાલી જગ્યાઓ
ભરવા માટે ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી
દ્વારા મુખ્યમંત્રી સમક્ષ ભારપૂર્વક રજૂઆત કરાઈ હતી. રાજ્ય સરકારે હકારાત્મક
અભિગમ સાથે ખાલી જગ્યા પુરવા માટેની મંજૂરી આપી હતી, જેમાં ડિવિઝનલ ફાયર ઓફિસર, સ્ટેશન
ફાયર ઓફિસર, લીડિંગ ફાયરમેન, ફાયરમેન,
ડ્રાઈવર કમ ઓપરેટર, ઓટોમોબાઈલ એન્જિનીયર,
ઓટો મોબાઈલ ઈલેક્ટ્રિશિયન, મિકેનલ સહિતના કુલ 48 પદ માટે ભરતી
પ્રક્રિયા હાથ ધરાઈ હતી.
11 માસના કરાર આધરિત ભરતી
વર્ષ
2024માં હાથ ધરાયેલી ભરતી પ્રક્રિયામાં જુદી-જુદી
જગ્યાઓ માટે 215 અરજી આવી હતી, જેમાંથી 169 ઉમેદવારની અરજી ગ્રાહ્ય રહી હતી. શારીરિક કસોટીમાં
11ઉમેદવાર ઉતીર્ણ થયા હતા. દસ્તાવેજ ચકાસણી બાદ
કુલ 10 ઉમેદવારને 11 માસના
કરાર આધારિત નિમણૂક અપાઈ હતી, પરંતુ અન્ય જગ્યાએ સારી તક મળતાં જોખમની સરખામણીએ વેતન ઓછું
પડતાં અહીં સ્ટાફ નોકરી છોડીને જતો રહ્યો છે,
જેના કારણે સ્ટાફગણની જૈસે થે તેવી સ્થિતિ નિર્માણ પામી હતી.
આપતીના
સમયમાં દોડી જતી ઈઆરસીની ટીમ
સેન્ટરમાં
તળાવ, ખાડામાં
ભરાયેલાં પાણીમાં ડૂબેલા લોકોની શોધખોળ કરવા, આગ લાગવા,
જ્વલંતશીલ પ્રવાહી રસ્તા ઉપર ઢોળાઈ જવું સહિતના જુદા-જુદા બનાવો માટે
ઈઆરસી સેન્ટરનો ફોન રણકે છે. મહિનામાં સરેરાશ 20થી 25 બનાવમાં આ સેન્ટરની ટીમ મદદ માટે
દોડી જાય છે.
કર્મચારીઓ
માટે કોઈ મદદ કે વીમાની જોગવાઈ નહીં
જીવનાં
જોખમે કોઈ પણ પ્રકારના આપતકાલીન સંજોગોમાં ઈઆરસીના કર્મચારીઓની સુરક્ષા માટે સરકાર
કે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની મદદ કે વીમા જેવી બાબતની જોગવાઈ કરાઈ નથી, જેના કારણે અહીં કર્મચારીઓ કામ કરવા તૈયાર ન હોવાનું કારણ જાણવા મળ્યું હતું.
કચ્છના પ્રથમ ઈમરજન્સી રિસપોન્સ સેન્ટર લોકોની મદદ માટે
પૂર્ણ ક્ષમતા સાથે કાર્ય કરે તે માટે વર્તમાન
મોંઘવારીને કેન્દ્રમાં લઈને યોગ્ય વળતર અને
કર્મચારીની સુરક્ષા માટે યોગ્ય હૈયાધારણ સાથે અપૂરતા સ્ટાફના પ્રશ્નો ઉકેલવા
જોઈએ. વહીવટીતંત્ર અને પ્રજાકીય પ્રતિનિધિઓની
દરમ્યાનગીરી સાથે અહીં કાયમી કર્મચારીઓની નિમણૂક થાય, તો આ સેન્ટર લોકોને ખરા અર્થમાં
ઉપયોગી સાબિત થશે.