• રવિવાર, 03 મે, 2026

નખત્રાણામાં દારૂ, રસ્તા, પાણીની સમસ્યાઓની ચર્ચા

નખત્રાણા, તા. 2 : તાલુકા સંકલન ફરિયાદ સમિતિની બેઠકમાં પાણી, રસ્તા, ખુલ્લેઆમ વેચાતા દારૂની સમસ્યા સહિતના મુદ્દે ચર્ચા કરાઈ હતી. બેઠકમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં અનેક ગામોમાં આઠ-આઠ દિવસ સુધી ગ્રામજનોને પીવાનાં પાણીની વિકટ સમસ્યા છે, ત્યાં નર્મદા યોજનાની પાઈપલાઈનો દ્વારા પીવાનાં પાણીનો વિકલ્પ શોધવા ખાસ કરીને ઉગેડી પાણી પુરવઠા યોજનામાં આવતાં ગામોમાં પાણીની વિકટ સમસ્યાની ફરિયાદો નીવારવા પાણી પુરવઠાના અધિકારીઓને સૂચના અપાઈ હતી. દેશલપર ફાટકથી હાજીપીર સુધીના 32 કિ.મી. સીસી રોડનાં ચાલુ કામમાં રસ્તાની બંને બાજુથી પસાર થતા વાહનોનાં કારણે માર્ગકામ નબળું થવાની સંભાવનાથી પોલીસતંત્ર દ્વારા જાહેરનામાનો ભંગ અટકાવી પગલાં લેવા જણાવ્યું હતું. ખુલ્લેઆમ વેચાતા દારૂની સમસ્યા નીવારવા પીએસઆઈને ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા સૂચના અપાઈ હતી તથા લાંબા સમયથી બદલીના હુકમો મળ્યા બાદ પોલીસ કર્મીઓની બદલી ન થઈ હોવા અંગે ધારાસભ્યે સવાલો ઉઠાવ્યા હતા. આમારાથી ઢોરો થઈ હાજીપીર જતા જર્જરિત માર્ગની તાત્કાલિક મરંમત કરવા પીડબલ્યુડીના અધિકારીને સૂચના અપાઈ હતી. અધ્યક્ષસ્થાનેથી કલેક્ટર ઉત્સવ ઉજ્જવલે લોકોની વિવિધ સમસ્યા અન્વયે સંકલન ફરિયાદની બેઠકમાં સંબંધિત અધિકારીઓને ઉકેલ લાવવા તાકીદ કરી હતી. બેઠકમાં એસ.ટી. ડેપોના મેનેજરની ઉપસ્થિતિના અભાવે એસ.ટી. બસના મુસાફરોને કનડતી સમસ્યાઓ ચર્ચાઈ ન હતી. નર્મદાનાં પાણીની લાઈનોમાં લીકેજથી રસ્તાઓને થયેલાં નુકસાન પેટે નર્મદા પાણી પુરવઠા તંત્રને ભરવાનાં ચૂકવણાં અંગે પ્ર્રત્યુત્તર ન મળ્યો હોવાનું માર્ગ અધિકારી સી.પી. બોરડે સંકલન બેઠકમાં જણાવ્યું હતું. આગામી બેઠક સુધી તા.પં.ના પ્રમુખ, એટીવીટી સદસ્યોની વરણી થઈ જતાં સંકલન ફરિયાદ બેઠકની કાર્યવાહી સુસંગત રીતે ચાલતી થશે. બેઠકમાં શિરસ્તેદાર શિવજી પાયણે સ્વાગત કરી એજન્ડા રજૂ કર્યા હતા. મામલતદાર  રાકેશ પટેલ, મેડિકલ ઓફિસર એચ. કે. દેસાઈપીડબલ્યુડીના શ્રી સાણંજ, પા.પુ.ના દક્ષેશ પ્રજાપતિ, આરોગ્ય અધિકારી એ.કે. પ્રસાદ, પી.એસ.આઈ. રાજેશ બેગડિયા, વિસ્તરણ અધિકારી મયૂર પટેલ, અશ્વિનીબેન, એસ.બી. પટેલ ઉપસ્થિત રહ્યા હતા. 

Panchang

dd