• રવિવાર, 03 મે, 2026

નક્સલ પ્રેરિત હુમલામાં ચાર જવાન શહીદ

રાયપુર, તા. 2 : દેશમાંથી નક્સલવાદનો સફાયો કરવાનાં અભિયાનને મળેલી સફળતા વચ્ચે છત્તીસગઢ રાજ્યમાં નક્સલવાદી હુમલામાં ચાર જવાન શહીદ થઇ ગયા હતા, તો એક ઘાયલ થઇ ગયો હતો. ડિસ્ટ્રીક્ટ રિઝર્વગાર્ડ (ડીઆરજી)ના જવાનો એક સુધારેલાં વિસ્ફોટક ઉપકરણ (આઇઇડી)ને નિષ્ક્રિય કરવાની કોશિશ કરી રહ્યા હતા, ત્યારે જીવલેણ ધડાકો થયો હતો. ખાસ જાણવા જેવી વાત તો એ છે કે, 31 માર્ચના દિવસે `નક્સલવાદ મુક્ત' ઘોષિત કરાયા બાદ રાજ્યમાં નક્સલી ગતિવિધિ સાથે જોડાયેલો આ પહેલો ધડાકો હતો. નારાણપુર જિલ્લાની સરહદ નજીક ગાઢ જંગલ વિસ્તારમાં આ વિસ્ફોટ થયો હતો, તેવું પોલીસ અધિકારીએ કહ્યું હતું. ડી.આર.જી.ની ટીમે વિવિધ વિસ્તારોમાં આઇઇડી શોધીને નિક્રિય કરવાનું અભિયાન છેડયું હતું, ત્યારે આ ઘટના બની હતી. બસ્તરના પોલીસ મહાનિર્દેશક સુંદરરાજ પટ્ટીલિંગને કહ્યું હતું કે, પોલીસ અને સુરક્ષાદળોએ સેંકડો સુરંગ નિક્રિય કરી નાખી છે. રસપ્રદ હકીકત એવી જાણવા મળી છે કે, થોડા સમય પહેલાં જ આત્મ સમર્પણ કરી ચૂકેલા કેટલાક નક્સલવાદીઓ પાસેથી મળતી બાતમી પરથી જવાનો અભિયાન છેડી રહ્યા છે. 

Panchang

dd