• રવિવાર, 03 મે, 2026

કુકમામાં નજીવી બાબતે મારામારીમાં સામસામી ફરિયાદ

ભુજ, તા. 2 : કુકમા ગામના વૈભવનગરમાં શિવમ પ્રોવિઝન સ્ટોર પાસે ગત તા. 30/4ના રાતે મારામારી થતાં સામસામી ફરિયાદ કરવામાં આવી છે. બીજા બનાવમાં નારાણપરમાં યુવકને માર મરાતાં ગુનો દાખલ કરાયો છે. ફરિયાદી અલ્તાફ ઈશાક ચાકીના જણાવ્યા પ્રમાણે આરોપી મયૂરાસિંહ વાઘેલા અને ધ્રુવરાજાસિંહની દુકાને તેમની દીકરી અને દીકરો નાસ્તો અને તમાકુ-ચૂનો લેવા ગયા હતા. દીકરીએ 10ની નોટ આપી નાસ્તાના 5-5 રૂપિયાવાળાં બે પડીકાં લીધાં અને 10નો સિક્કો ઝાડુ અને સાવરણા રાખવાના ડબ્બામાં પડી ગયો હતો. આરોપીએ ફરિયાદીની દીકરીને તમાકુ અને ચુનો આપ્યા ન હતા. જે બાબતે મનદુ:ખ રાખીને આરોપી મયૂરાસિંહ વાઘેલાએ ફરિયાદીને તથા તેની પત્નીને ધકબૂશટનો માર માર્યો, તલવાર આડી અવળી કરતાં માથામાં અડી ગઈ હતી. ધ્રુવરાજાસિંહે લાકડી મારતાં ફરિયાદીની દીકરીને મૂઢ ઈજાઓ થઈ હતી. સામે પક્ષે મયૂરાસિંહ બિપિનાસિંહ વાઘેલાએ જણાવ્યું કે, તેમની દુકાન પર ખરીદી કરતી વખતે પાંચ રૂપિયા ડબ્બામાં પડી ગયા હતા, જે રૂપિયા થોડીવાર પછી લેવા આવવાનું કહેતાં તેનું મનદુ:ખ રાખીને આરોપી અલ્તાફ ચાકી, તેની પત્ની, મમ્મી અને હસીનાબેને આવી ધકબુશટનો મારમારી ધમકી આપી હતી. પદ્ધર પોલીસે સમગ્ર મામલે સામસામે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.  બીજી તરફ ગત તા. 24/4ના રાતે 12.30 વાગ્યે ભુજના નારાણપર ગામે ભારાપર રોડ પર ગામના 19 વર્ષીય યુવાન અફરોઝ અભુભખર સુમરા આરોપીના ઘર પાસે પાણીની ટાંકી પાસે હાથ ધોઈ રહ્યો હતો ત્યારે આરોપી બાબુલાલ વાલ્મીકિએ તેને પૂછયું કે, અહીં શું કરશ, આથી ફરિયાદી અફરોઝે કહ્યું કે, હું પેશાબ કરીને હાથ ધોઈ રહ્યો હતો. મારા ઘરે જાઉં છું. આથી બાબુલાલે એકદમ ઉશ્કેરાઇ ગાળો આપી માર માર્યો હતો અને ઘરમાંથી અન્ય બે બહેન પણ બહાર આવી ત્રણેયે મળી હાથો અને લાકડી વડે માર મારતાં માથા અને શરીરે ગંભીર ઇજા પહોંચાડયાની ફરિયાદ માનકૂવા પોલીસ મથકે  નોંધાવી છે. 

Panchang

dd