ચોબારી, તા. 2 : ભચાઉ તાલુકાનું ચોબારી ગામ ઐતિહાસિક અને અનેક રીતે આગવું મહત્ત્વ ધરાવે છે. ગામનો દેખીતે
રીતે વિકાસ થયો છે,
કરોડોનાં કામો મંજૂર કરાયાં છે. આવા પોકળ ભાષણો 26 એપ્રિલ પૂર્વે શેરીઓ, ગલીઓ, સભાઓમાં ગાજતાં હતાં, પરંતુ ચૂંટણી પૂરી થયાને હજુ એક સપ્તાહ નથી થયો તેવામાં સૌ કોઈને શરમાવે
તેવી ચોબારી ગામની હાલત જોવા મળી છે. ગામની મધ્યમાંથી નીકળતા અને 24 કલાક
ધમધમતા મુખ્ય માર્ગ 26 વર્ષ પહેલાં નિર્માણ પામ્યો હતો. ત્યારબાદ કોઈ કામગીરી ન કરાતાં આ મુખ્ય રસ્તાનું નામોનિશાન નથી રહ્યું.
રસ્તામાં મોટા ખાડા પડયા છે અને ધૂળ માટીનું સામ્રાજય છવાઈ ગયું છે, જેથી પ્રસંગોપાત બુલડોઝરથી
રસ્તો સાફ કરવો પડે છે. નહીં તો અહીં થી ચાલવું પણ મુશ્કેલ બની જાય છે. ચૂંટણી પૂર્વે મોટા નેતાઓએ આવીને કરોડોનાં કામની ગણતરી કરાવી હતી,
પરંતુ `ભાણામાં
મળે તો ભૂખ જાય ને'
એ કહેવત મુજબ લોકો કહે છે, હવે ચોબારીમાં નવા યુવાન
નેતાઓ મળ્યા છે, એમાં આશા રાખીએ છીએ. અન્યથા અત્યાર સુધી કોઈએ
ધ્યાન આપ્યું ન હોવાથી ધૂળિયા રસ્તા ઉપરથી પસાર થવું પડે છે. આ રસ્તે ચાલતા મોં આડે
કપડું રાખવું પડે તેવી સ્થિતિ છે. લોડરથી માટી
હટાવ્યા બાદ બે ત્રણ દિવસમાં ફરી પરિસ્થિતિ
જેસૈ થે જેવી થઈ જાય છે. સત્વરે આ માર્ગનું નિર્માણ કરાય તેવી ગ્રામજનોની
માંગ બુલંદ બની છે.