કેરા
(તા. ભુજ), તા. 2 : જ્યાં
આજુબાજુનાં 15 ગામના છાત્ર-છાત્રાઓ અભ્યાસ કરે છે, તેવી સારસ્વતમ્ સંચાલિત માધ્યમિક,
ઉચ્ચ માધ્યમિક શાળાના આધુનિક બિલ્ડિંગના લોકાર્પણ પ્રસંગે કચ્છ યુનિ.
કુલપતિ ડો. મોહનભાઇ પટેલે અહીં યુનિ. કક્ષાનું શિક્ષણ કેન્દ્ર સ્થાપવા જાહેરાત કરી
હતી. સરસ્વતી શિક્ષા સાધના ટ્રસ્ટ કોટડા-ચકાર દ્વારા નવા શૈક્ષણિક સંકુલના લોકાર્પણનો
બે દિવસીય સમારોહ ચાલી રહ્યો છે. તે પ્રસંગે બોલતાં કુલપતિ ડો. મોહનભાઇ પટેલે દાતાઓ,
કાર્યકરો અને ગામની પીઠ થાબડતાં અહીં અનુસ્નાતક કક્ષાના શિક્ષણ કેન્દ્રની
જાહેરાત કરી હતી. મોટી સંખ્યામાં શિક્ષણપ્ર્રેમીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા સમારોહમાં
સવારે વાસ્તુયજ્ઞ, હવન, સાંજે મિલનમાં સારસ્વતમ્ના
પ્રમુખ વિજ્યાલક્ષ્મીબેન શેઠે 1967માં 16 હાઇસ્કૂલની સ્થાપના કરી કન્યા કેળવણીનો ઇતિહાસ
વર્ણવ્યો હતો. કચ્છ જલધારા સેવા સંઘના કેશુભાઇ પટેલે જળમંદિરોનું આહ્વાન, ચેતનભાઇ ધોળુએ સૌના સહકાર,
રણછોડભાઇ માકાણી, ડો. કૃપેશભાઇ ઠાકર, શાંતિભાઇ ભગત, વિનોદભાઇ ધોળુ, સચિન
નટવરલાલ પોકાર, ડો. ઇશ્વરલાલ પટેલે વિચારો રજૂ કર્યા હતા. આ શાળાના
પ્રથમ આચાર્ય રામજીભાઇ પટેલે સંસ્મરણો વાગોળતાં ગામના શિક્ષણપ્રેમને બિરદાવ્યો હતો.
ડો. વિમલબેન અતેવાર પરિવારના 51 લાખ, સારસ્વતમ્ના 31 લાખનાં
યોગદાન સહિત 11, પ, 2.5 લાખના અનેક દાતારોનો ઉલ્લેખ મંચ ઉપરથી કરાયો
હતો. મોટી સંખ્યામાં ઉપસ્થિત નારીશક્તિને બિરદાવતાં શિક્ષક વસંત પટેલ, ડો. ભાર્ગવ પારેખે શાળા નિર્માણથી
ગામ એક થયાની વાત કરી હતી. ડો. વિજયકુમાર, મુલેશભાઇ દોશી,
ભરત પટેલ, સંસ્થાના પ્રમુખ વિનોદભાઇ ધોળુ,
ચૂનીલાલ ધોળુ, દશરથ માકાણી, મુખ્ય માર્ગદર્શક પરષોત્તમભાઇ ધોળુ, યુવા અગ્રણી રાજેશભાઇ
સાધુ, રમેશ ગઢવી, નારાણ મહેશ્વરીએ ગામના
સર્વે નાગરિકોના સહિયારા સાથે આયોજન- વ્યવસ્થા સંભાળ્યા હતા. શાળા માટે ભૂમિદાતા જયંતીભાઇ
રામજી માકાણી, નીતાબેન જગદીશ માકાણી, હિંમતભાઇ,
સ્વ. જીવરાજ મેઘજી ભાવાણી, દેવરામ ભાયાણી,
મુખ્ય દ્વારના સ્વ. નારાણભાઇ મેઘજી ધોળુ, પરિવાર,
હોલના દાતા રમણીક પ્રેમજી સેંઘાણી, રૂમના દાતા
પરિવારો સ્વ. દેવરામ વિશ્રામ ધોળુ, શંભુભાઇ જગમલ રબારી,
જીવરાજ માકાણી, ધનજી ભગત, સ્વ. જટુભા જાડેજા, સ્વ. વાલજી માકાણી, ભરતભાઇ ઠક્કર, પચાણભાઇ ધોળુની વિશેષ નોંધ લેવાઇ હતી.
જિલ્લા પંચાયત સભ્ય રાજેશભાઇ ચાવડા, તાલુકા સભ્ય ધારાબેન માકાણી,
પૂર્વ ઉપપ્રમુખ નિયતિબેન પોકાર, મોહનભાઇ ગરવા
(કોટડા ઉગમણા), નર્મદાબેન માકાણી (કોટડા આથમણા), થરાવડા, જાંબુડી, હરૂડી,
મોટા બંદરા, વરલી સહિતના સરપંચો, પંચાયત સભ્યો, ગામ તથા આજુબાજુની સંસ્થાના પ્રતિનિધિઓ,
ભૂતપૂર્વ છાત્ર- છાત્રાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. પદ્ધર પી.આઇ. શ્રી
ખાંટ, ચૂનીલાલભાઇ, સવઘણ બાપા તેમજ સર્વ
સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વિશાળ શમિયાણામાં યોજાયેલા શિક્ષણયજ્ઞમાં સહિયારી
આહુતિ અપાઇ હતી. તા. 3-5ના
ઉચ્ચ ટેકનિકલ શિક્ષણમંત્રી ત્રિકમભાઇ છાંગા, સાંસદ વિનોદભાઇ ચાવડા, જિલ્લા ભાજપ
પ્રમુખ દેવજીભાઇ વરચંદ, ધારાસભ્ય કેશુભાઇ પટેલ, કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલ, કચ્છ કલેક્ટર આનંદ પટેલ,
આઇ.જી. ચિરાગ કોરડિયા, જિલ્લા પોલીસ અધીક્ષક વિકાસ
સુંડા, જિલ્લા, તાલુકાના શિક્ષણ અધિકારીઓની
વિશેષ ઉપસ્થિતિમાં નૂતન સંકુલને ખુલ્લું મુકાશે. સંસ્થા સ્થાપનાની સુવર્ણ જયંતી ઊજવાઈ
રહી છે, ત્યારે ગામનો થનગનાટ ચરમસીમાએ વર્તાઇ રહ્યો છે.