ભુજ, તા. 2 : જાપાન ખાતે પરિસંવાદ માટે બીજી વખત માધાપર મોડેલ
સ્કૂલની વિદ્યાર્થિનીની પસંદગી કરાઈ હતી. `શકુરા' પ્રોગ્રામ-2026માં
દેશ વતી ભાગીદારી કરશે. જાપાનની વિજ્ઞાન શિક્ષણ સંસ્થા શકુરા દ્વારા દર વર્ષે માધ્યમિક
શિક્ષણમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રચાર-પ્રસાર અને વિકાસ માટે `શકુરા સાયન્સ એક્શન પ્રોગ્રામ' યોજાય છે, જેમાં કેન્દ્રીય શિક્ષણ વિભાગ દ્વારા દેશમાંથી પસંદ કરાયેલા વિદ્યાર્થીઓને
જાપાન ખાતે મોકલાય છે. ચાલુ વર્ષે શકુરા કાર્યક્રમ માટે દેશમાંથી 56 વિદ્યાર્થીને પસંદ કરાયા હતા, જેમાં રાજ્યમાંથી ચાર વિદ્યાર્થીનો
સમાવેશ થાય છે. જિલ્લામાંથી માધાપરની મોડેલ સ્કૂલની વિજ્ઞાન પ્રવાહની ધો. 12ની વિદ્યાર્થિની નિશા આયરની પસંદગી કરાઈ હતી.
જાપાન ખાતે યોજાનારા કાર્યક્રમમાં `િવજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં વિદ્યાર્થીના અનુભવો' વિષય પર યોજાનારી ચર્ચામાં
વિદ્યાર્થિની ભાગ લેશે, તેવું શાળાના આચાર્ય વિજયભાઈ કાલરિયાએ
જણાવી છાત્રાને બિરદાવી હતી તથા માર્ગદર્શન બદલ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીનો આભાર
વ્યક્ત કર્યો હતો. અગાઉ વર્ષ 2024માં આ જ શાળાની વિદ્યાર્થી ચારણ કોમલે જાપાન ખાતે સેમિનારમાં ભાગીદારી કરી
હતી. જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે એક જ સરકારી શાળાએ બીજી વખત મેળવેલી સિદ્ધિને
બિરદાવી હતી તથા વિદ્યાર્થિનીને શુભેચ્છા પાઠવી હતી.