નવી
દિલ્હી, તા. 2 : ઈરાન અને અમેરિકા વચ્ચે નવેસરથી યુદ્ધ ફાટી નીકળે
તેવાં એંધાણ છે. એક તરફ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને `અંતિમ' ધમકી આપી છે, તો ઈરાને પણ વળતો વાર કર્યો
છે. ટ્રમ્પે `અંતિમ' ચેતવણી આપતાં કહ્યું હતું કે,
માનવીય દૃષ્ટિકોણથી સૈન્ય વિકલ્પ અપનાવવા નથી માગતા, પરંતુ ઈરાન નહીં માને તો બળપ્રયોગનો અંતિમ વિકલ્પ હશે. બન્ને વચ્ચે મડાગાંઠ
વધુ ને વધુ જટિલ બનતી જાય છે. આમાં હવે હાલત ફરી વણસીને યુદ્ધ ભડકાવે તેવી આશંકા બળવત્તર
બની ગઈ છે. ઈરાની સેનાએ કહ્યું છે કે, અમેરિકા અને ઈઝરાયલ સામે
ફરીથી યુદ્ધ શરૂ થઈ શકે છે. ઈરાની સેનાના અધિકારી મોહમ્મદ જાફર અસાદીએ કહ્યું હતું
કે, અમેરિકા કોઈ પણ સમજૂતીનું પાલન કરતું નથી. અમેરિકાના અધિકારીઓનાં
નિવેદન માત્ર દેખાડાનાં હોય છે. તે મીડિયા મારફત બધું બરાબર હોવાનું દેખાડવા માગે છે,
જેથી ક્રૂડઓઈલના ભાવ નીચા ન જાય અને તે આ સ્થિતિમાંથી નીકળી શકે. તેમણે
આગળ ઉમેર્યું હતું કે, ઈરાનની સેના પૂરી રીતે તૈયાર છે અને જો
કોઈ હુમલો થાય તો તેનો જવાબ આપવામાં આવશે. તેમણે આક્રમકતા દેખાડીને કહ્યું હતું કે,
અમેરિકા જો કોઈ મૂર્ખતા કરે તો ઈરાનની સેના તેનો જવાબ આપવા માટે તૈયાર
છે. ઈરાનની આ પ્રતિક્રિયા ત્યારે આવી છે, જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ
ડોનાલ્ડ ટ્રમ્પે વાટાઘાટનો નવો પ્રસ્તાવ પણ ઠુકરાવી દીધો છે. ટ્રમ્પે ઈરાન માટે એવી
શરતો રાખી છે જે ઈરાન કોઈ પણ હિસાબે સ્વીકારી શકે તેમ નથી. દરમિયાન એક કાર્યક્રમમાં
ટ્રમ્પે ઈરાનને વધુ એક ધમકી આપતાં કહ્યું હતું કે, કોઈ પાગલના
હાથમાં પરમાણુ હથિયાર જવા દઈ શકાય નહીં એટલા માટે જ અમેરિકા આ જંગમાં છે. તેમણે દોહરાવ્યું
હતું કે, ઈરાનને પરમાણુ શત્રો મેળવતાં રોકવું અનિવાર્ય જ છે.
- ઇરાનમાં જીવતો બોમ્બ ફાટતા 14 સૈનિકોનાં મોત : તહેરાન, તા. 2 : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી શંતિ વાટાઘાટો વચ્ચે ઈરાનના ઉત્તર-પશ્ચિમ
હિસ્સામાં એક ભયાનક દુર્ઘટના ઘટી છે. `ઓર્ડનન્સ ક્લિયરન્સ' એટલે કે જીવંત બોમ્બ અને દારૂગોળાને હટાવવાના મિશન દરમિયાન
થયેલા વિસ્ફોટમાં ઈરાની સેના આઈઆરજીસી (ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ) ના 14 જવાનનાં મોત નીપજ્યાં છે. ઈરાનના ઉત્તર-પશ્ચિમમાં
આવેલા જંજાન પ્રાંતમાં આ અકસ્માત સર્જાયો હતો. આઈઆરજીસીની એક ટીમ ખેતીની જમીન પર વિખરાયેલા
ન ફાટેલા બોમ્બ અને દારૂગોળો હટાવવાનું કામ કરી રહી હતી. આ દરમિયાન અચાનક વિસ્ફોટ થતા
14 જવાનોનાં મોત થયાં અને 2 જવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.