સુરત, તા. 2 (અમારા પ્રતિનિધિ તરફથી : શહેરની ઓરો યુનિવર્સિટી ખાતે આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં
3.53 લાખ કરોડના 2792 સમજૂતી કરાર થયા હતા. એમઓયુ થકી આગામી ત્રણ
વર્ષમાં 2.82 લાખ જેટલી રોજગારીનું સર્જન થવાનો દાવો રાજ્ય
સરકારે કર્યો છે. બે દિવસ યોજાયેલી વાયબ્રન્ટ રિજનલ સમિટના અંતિમ દિવસે વિવિધ ક્ષેત્રોના
રૂા. 3,53,306 લાખ કરોડના એમઓયુ થવાની જાહેરાત સરકારે કરી
હતી. સમાપન કાર્યક્રમમાં કેન્દ્રિયપ્રધાન જે. પી. નડ્ડા ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે.પી. નડ્ડાએ જણાવ્યું હતું કે, આજે દક્ષિણ ગુજરાતના વિકાસ
માટે જે પાયો નંખાયો છે, તેનાથી આ પરિક્ષેત્ર આગામી સમયમાં મોટી
આર્થિક છલાંગ લગાવવા લગાશે. ગુજરાત દેશની કુલ જીડીપીમાં 8% ફાળો આપે છે. મેન્યુફેક્ચારિંગ આઉટપુટમાં 17%, મર્ચેન્ડાઈઝ નિકાસમાં 27% અને દેશના કુલ કાર્ગો હેન્ડાલિંગમાં ગુજરાત
40% હિસ્સો ધરાવે છે. ગુજરાતે માત્ર આર્થિક પ્રગતિ
જ નથી કરી, પરંતુ સ્વબળે વિશ્વના એક સ્પર્ધાત્મક અને કનેક્ટેડ ઈકોનોમિક એન્જિન તરીકે પ્રસ્થાપિત
કરી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, દક્ષિણ
ગુજરાતની ક્ષમતાને દેશ અને દુનિયા સમક્ષ ઉજાગર કરનાર મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બની છે.
દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક ક્ષેત્રના સર્વાંગી વિકાસ અને રોજગારી સર્જન માટે આ બે દિવસીય
કોન્ફરન્સ ઐતિહાસિક સાબિત થઈ છે. આજે થયેલા સમજૂતી કરારથી આગામી ત્રણ વર્ષમાં દક્ષિણ
ગુજરાતમાં 2.82 લાખથી
વધુ યુવાનોને પ્રત્યક્ષ રોજગારી મળશે. સમાપન
કાર્યક્રમમાં વિવિધ કેટેગરીમાં શ્રેષ્ઠ એમએસઈ અને એમએસએમઈ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા
હતા. હસ્તકલા કારીગરો,
ઉદ્યોગ વિભાગનું પુરસ્કાર સાથે સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં
કૃષિમંત્રી જીતુભાઇ વાઘાણી, પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા,
ઓરો યુનિ.ના સ્થાપક હસમુખ રામા, અગ્રણી લેબગ્રોન
ઉદ્યોગકાર સ્મિત પટેલ, વેપાર-ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ,
ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. - ઉદ્યોગોની સમસ્યાઓ માટે યોજાશે ઓપન ડોર માટિંગ : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, રાજ્ય સરકારની પ્રાથમિકતા માત્ર
પ્રથમ હરોળના ઉદ્યોગપતિઓ પૂરતી સીમિત નથી, પરંતુ અંતિમ હરોળમાં
બેઠેલા નાના વેપારીઓના સપના સાકાર કરવાની છે. વાઈબ્રન્ટ રિજનલ કોન્ફરન્સનો સીધો લાભ
નાના ઉદ્યોગ સાહસિકોને મળે તે દિશામાં સરકાર કાર્યરત છે. હવેથી રિજનલ કોન્ફરન્સમાં માત્ર નવા રોકાણકારો જ
નહીં, પરંતુ વર્તમાન ઉદ્યોગકારોની સમસ્યાઓના સ્થળ પર જ નિરાકરણ
માટે ઓપન ડોર માટિંગનું આયોજન કરવામાં આવશે, જ્યાં સરકારના જવાબદાર
અધિકારીઓ સીધો સંવાદ કરશે. - સૌરાષ્ટ્ર-કચ્છ વાઇબ્રન્ટ સમિટ કરતાં ઓછા એમઓયુ સુરતમાં થયા : સુરતમાં થયેલા સમજૂતી કરારની સંખ્યા 2782 અને એમઓયુનો આંક રૂા. 3.53 લાખ
કરોડ જાહેર થયો છે. નોંધવું કે સૌરાષ્ટ્ર-કચ્છમાં થયેલી કોન્ફરન્સમાં રૂા. 5.78 લાખ કરોડના કુલ 5462 સમજૂતી કરાર થયા હતા. જ્યારે એ અગાઉ ઉત્તર ગુજરાતના
મહેસાણામાં યોજાયેલી પ્રાદેશિક વાઇબ્રન્ટમાં રૂા. 3.24 લાખ કરોડના સમજૂતી કરાર થયા હતા.