ગાંધીનગર, તા. 2 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ
બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓ માટે એક નવી અને સુવિધાજનક પહેલ હાથ ધરવામાં આવી છે. હવે
ધોરણ-12ની પરીક્ષાનું પરિણામ વિદ્યાર્થીઓ સીધું વોટ્સએપ
દ્વારા પણ મેળવી શકશે. બોર્ડે પ્રથમવાર આ પ્રકારની ડિજિટલ સેવા શરૂ કરી છે, જેના કારણે વિદ્યાર્થીઓને સરળતાથી
અને ઝડપી રીતે પરિણામ પ્રાપ્ત થશે. ધો. 12ના તમામ પ્રવાહનું સોમવાર ચોથી મેના અને ધો. 10નું પરિણામ છઠ્ઠી મેના જાહેર થશે. બોર્ડ દ્વારા
જણાવ્યા મુજબ, ફેબ્રુઆરી-માર્ચ 2026માં
લેવાયેલી ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષાના વિજ્ઞાન, સામાન્ય, વ્યવસાયલક્ષી તથા ઉ.ઉ.બુ. પ્રવાહ સાથે ગુજકેટ-2026 અને સંસ્કૃત મધ્યમાનું પરિણામ તા. 04 મે 2026ના સવારે 10:00 વાગ્યે
જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ પોતાનો બેઠક ક્રમાંક વોટ્સએપ નંબર 6357300971 પર મોકલીને તરત જ પોતાનું પરિણામ મેળવી શકશે.
આ સાથે, પરંપરાગત
રીતે બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gseb.org પર પણ બેઠક ક્રમાંક દાખલ કરીને પરિણામ જોઈ શકાશે. બોર્ડે વધુમાં જણાવ્યું છે કે ગુણપત્રક, પ્રમાણપત્ર અને એસઆર શાળાઓને
મોકલવાની માહિતી બાદમાં જાહેર કરવામાં આવશે. તેમજ ગુણચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા અને પુન:પરીક્ષા અંગેની સૂચનાઓનો
પરિપત્ર પણ આગળ પ્રસિદ્ધ થશે. આ નવી વોટ્સએપ આધારિત પહેલથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં
ખુશીની લાગણી જોવા મળી રહી છે, ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી-માર્ચમાં લેવાયેલી ધો. 10 અને 12ની બોર્ડ પરીક્ષામાં કુલ 15.27 લાખ વિદ્યાર્થી જોડાયા હતા.