• રવિવાર, 03 મે, 2026

સાડાઉ-ગુંદાલા માર્ગે અજાણી કારે યુવાનને ઉડાવતાં મોત

ભુજ, તા. 2 : મુંદરા તાલુકાના સાડાઉ - ગુંદાલા રોડ પર તા. 24/4ના રાત્રિના સવા દસ વાગ્યાના અરસામાં મુંદરાનો 23 વર્ષીય યુવાન અશ્વિન નાગશી પાતાળિયા તેનું બાઈક બંધ પડી જતાં તે રિપેર કરતો હતો, ત્યારે ધસમસતી આવેલી કારે ટક્કર મારતાં સારવારમાં તેનું મોત થયું હતું. બીજી તરફ આ બનાવમાં કંઈક અજુગતું હોવાની શંકા પરિજનોએ દર્શાવી છે. ફરિયાદી મૂળ નાના કપાયા હાલે મુંદરા વાડીવિસ્તારમાં રહેતા નાગશી ખમુભાઈ પાતાળિયાના જણાવ્યા પ્રમાણે હતભાગી તેમનો પુત્ર અશ્વિન તેનું બાઇક નંબર જીજે-12-ડીએલ-5108 બંધ થતાં રોડની સાઈડમાં પોતાનું બંધ બાઈક સરખું કરતો હતો, ત્યારે કોઈ અજાણી કારના ચાલકે ટક્કર મારતાં ગંભીર ઈજાઓનાં કારણે તેનું સારવાર દરમ્યાન મોત થયું હતું. બનાવ અંગે મુંદરા મરીન પોલીસે અકસ્માતમાં મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.  બીજી તરફ સંબંધીઓ પાસે મળેલી માહિતી મુજબ અશ્વિનના આઠ માસ પૂર્વે લગ્ન થયાં હતાં. પત્ની ગર્ભવતી છે તે વચ્ચે આ કરુણ બનાવ બનતાં પરિવાર પર આભ તૂટી પડયું છે. આ બનાવમાં કંઈક અજુગતું હોય તેવી શંકા પરિજનોએ દર્શાવી યોગ્ય તપાસની માંગ કરી છે. 

Panchang

dd