• રવિવાર, 03 મે, 2026

તૃણમૂલ કોંગ્રેસને સુપ્રીમનો ઝટકો

નવી દિલ્હી, તા. 2 : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ક્યાંક ફરી મતદાન વચ્ચે સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસને સુપ્રીમ કોર્ટે શનિવારે મોટો ઝટકો આપ્યો હતો. સુપ્રીમે મતગણતરીમાં કેન્દ્ર સરકારના અધિકારી, કર્મચારીની નિયુક્તિને પડકારતી તૃણમૂલની અરજી ફગાવી દીધી હતી. અદાલતે કહ્યું હતું કે, ચૂંટણીપંચને આદેશ આપી ન શકાય. એ ચૂંટણીપંચનો અધિકાર છે કે, સરકારી કર્મીઓ પર ભરોસો કરે. કોર્ટે કહ્યું હતું કે, આ મામલામાં કોઇ નવો આદેશ આપવાની જરૂર જ નથી. જસ્ટિસ પી.એસ. નરસિમ્હા અને જોયમાલ્યા બાગચીની ખંડપીઠે જણાવ્યું હતું કે, ચૂંટણીપંચનો ફેંસલો નિયમોના દાયરામાં છે. તૃણમૂલ વતી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે ચૂંટણીપંચ પર મરજી પડે તેમ નિર્ણય લેવાનો આરોપ મૂક્યો હતો, પરંતુ સુપ્રીમે કહી દીધું હતું કે, કર્મચારીઓની નિયુક્તિ ચૂંટણીપંચનો અધિકાર છે. સુપ્રીમના ફેંસલા પર પ્રતિક્રિયા આપતાં તૃણમૂલ સાંસદ સૌગત રોયે કહ્યું હતું કે, અમારી અરજીનો હેતુ માત્ર નિષ્પક્ષતા સુનિશ્ચિત કરવાનો હતો. માત્ર કેન્દ્રના જ કર્મચારી કેમ, રાજ્યના કેમ નહીં ? બીજી તરફ ભાજપ વતી સાંસદ સુધાંશુ ત્રિવેદીએ પ્રહાર કરતાં કહ્યું હતું કે, તૃણમૂલ વારંવાર અદાલતનો દરવાજો ખટખટાવે છે, પણ રાહત નથી  મળતી. તૃણમૂલ કોંગ્રેસને કેન્દ્ર સરકારના કર્મચારીઓ પર ભરોસો નથી, પરંતુ રાજ્ય સરકારના કર્મીઓ પર છે, તેવા પ્રહારો ભાજપ સાંસદે કર્યા હતા. 

Panchang

dd