• રવિવાર, 03 મે, 2026

ગઢશીશામાં યુવાનની નિર્મમ હત્યાથી ચકચાર

ગઢશીશા (તા. માંડવી), તા. 2 : પત્ની સાથે આડા સંબંધની શંકામાં આરોપી સિધિક સુમાર કુંભારે 36 વર્ષીય યુવાન આદિલ આધમ ખલીફાને છરીના ઘા ઝીંકી નિર્મમ હત્યા નીપજાવ્યાના બનાવથી ગઢશીશા ગામ અને પંથકમાં ચકચાર સાથે અરેરાટી વ્યાપી છે. આજે સવારે ગઢશીશાના ઘાસડેપો પાછળ મફતનગર વિસ્તારમાં રાયમા કાસમ અલીમામદનાં મકાનમાં છેલ્લા લાંબા સમયથી ભાડે રહેતા મૂળ ગાંધીગ્રામના અને હેરકટિંગ સલૂન ચલાવતા આદિલની હત્યા મૂળ ભુજ અને છેલ્લા ઘણા સમયથી ગઢશીશા ખાતે છકડો રિક્ષા ચલાવતા સિધિક કુંભારે તેની પત્ની સાથે આદિલના આડા સંબંધ હોવાની શંકાને લઈને છરીના ઘા ગળા તથા છાતી અને પેટના ભાગે મારી હત્યા નીપજાવ્યાની ફરિયાદ આદિલના ભાઈ ઈમરાને ગઢશીશા પોલીસ મથકે નોંધાવી છે. પોલીસે આરોપીને રાઉન્ડઅપ કરી લીધાની વિગતો મળી છે. સંબંધિતો પાસેથી મળેલી વિગતો મુજબ આ બનાવ સવારના 9:30 વાગ્યે બન્યો હતો. મરનાર આદિલ ખલીફાની પત્ની અને ત્રણ સંતાન વેકેશન ગાળવા માવિત્રે ગયા હતા અને આદિલ ખલીફા સવારના ભાગમાં મફતનગર વિસ્તારમાં આવેલા રાયમા કાસમ અલીમામદનાં મકાનમાં ભાડેથી રહેતો હતો ત્યાં સવારે પહોંચ્યો, ત્યારે આરોપી સિધિક કુંભારે ઘરની અંદર આંગણામાં જ હતો અને ગળાના ભાગ, પેટના ભાગ તથા આંખના ભાગમાં છરીના ઘા મારી નિર્મમ હત્યા નીપજાવી હતી. આ બનાવની જાણ થતાં જ ગામના મુસ્લિમ સમાજના યુવાનો તથા આગેવાનો અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તમામ બનાવની વિગતો જાણવા પ્રયાસ કર્યો હતો. દરમ્યાન મૃતકના પરિવારજનોને પણ જાણ કરાતાં ઘટનાસ્થળે પહોંચ્યા બાદ મૃતદેહને ગઢશીશા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે લવાયો હતો, જ્યાં પણ લોકોનાં ટોળાં એકત્ર થયાં હતાં. બનાવ બાદ ડીવાયએસપી ગૌતમ વિવેકાનંદ અને માંડવી મામલતદાર પ્રદ્યુમનસિંહ જેઠવા, ગઢશીશા ઈન્ચાર્જ પો.ઈ. જે. જે. રાણા, માંડવી ઈ.પો.ઈ. સી.વાય. બારોટ તથા એલસીબી સ્ટાફ, ગઢશીશા પોલીસ સ્ટેશનનો સ્ટાફ, અનિલભાઈ દેસાઈ, નવીનભાઈ પટેલ, રમેશભાઈ ચૌધરી, ભીમજીભાઈ રબારીભરતભાઈ પ્રજાપતિ, કલ્પેશભાઈ ચૌધરી, યુવરાજસિંહ સોઢા તથા ડ્રાઈવર હાર્દિક વ્યાસ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડો. મદનજી પ્રસાદે પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાસ્થળે મુસ્લિમ સમાજના આગેવાન હાજી અદ્રેમાન હાજી ફકીરમામદ ખલીફા, માંડવી તાલુકા ખલીફા સમાજ પ્રમુખ હાજી આમદ હાજી ફકીરમામદ ખલીફા, રાયમા અબ્ધ્રેમાન ઉમર, રાયમા સકિલ હારૂન, રાયમા અભાસ કાસમ, રાયમા રઝાક હાજી દાઉદ, રાયમા હાજી આમદ, રસીદ ખલીફા, હનનીફ ખલીફા આમદભાઈ લતીફ ખલીફા, લતીફ ફકીરમામદ ખલીફા (રાજડા) વિગેરે બનાવ સ્થળે આવી પહોંચ્યા હતા તથા અંતિમવિધિ મૃતકના ગામ ગાંધીગ્રામ ખાતે કરવાની તજવીજ હાથ ધરી છે. 

Panchang

dd