બેંગ્લુરુ, તા. 27 : દુનિયાની સૌથી લોકપ્રિય અને
સૌથી મોંઘી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 19મી સીઝનનો કાલે શનિવારથી ભવ્ય અને ધમાકેદાર પ્રારંભ થશે. આ વખતે
આઇપીએલમાં સૌથી વધારે 84 મેચ રમાશે.
દેશના 12 શહેરમાં 65 દિવસ દરમિયાન 10 ટીમ વચ્ચે આઇપીએલ-2026નો તાજ હાંસલ કરવાની કસોકસની
ટકકર જોવા મળશે. આઇપીએલનો ફાઇનલ મુકાબલો 31ના રોજ રમાશે. આ દરમિયાન ભારત ઉપરાંત દુનિયાભરના કરોડો ક્રિકેટ
ચાહકો આઇપીએલના જવરમાં જકડાઇ જશે. પશ્ચિમ એશિયાની યુધ્ધની સ્થિતિને લીધે બજારમાં મંદી
હોવા છતાં આઇપીએલના પ્રારંભ સાથે પ્રવાસન, હોટેલ સહિતના બીજા ઘણી ઈન્ટ્રીઝને ફાયદો થશે. આથી દેશના અર્થતંત્રને પણ ગતિ
મળશે. આઇપીએલની 19મી સીઝનની
ઠીક અગાઉ બે ફ્રેંચાઇઝી રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અનુક્રમે 1પ000 અને 16000 કરોડ રૂપિયા
(અંદાજીત રકમ)માં વેંચાઇ છે. આથી આઇપીએલની બ્રાંડ વેલ્યૂમાં જબ્બર વધારો થયો છે અને
દુનિયાની સૌથી મોંઘી સ્પોર્ટસ લીગ એનબીએ સાથે તેની સરખામણી થવા લાગી છે. આઇપીએલની 19મી સીઝન સાથે ચાહકોને એકશન અને એન્ટરટેનમેન્ટનો
ડબલ ડોઝ મળશે. કિંગ કોહલીથી લઇને વન્ડર બોય વૈભવ સૂર્યવંશીના બેટમાંથી નીકળતી આતશબાજી
જોવાનો લાહવો મળશે. તો યોર્કર કિંગ બુમરાહથી લઇને કુલદીપ-વરુણની ફીરકીની કમાલ જોવા
મળશે. જો કે આઇપીએલની તાસિર અનુસાર ફરી એકવાર નવા ચહેરા મેદાન મારી જશે અને ઘણા ખેલાડી
છૂપા રૂસ્તમ સાબિત થઈ શકે છે. આ વખતે પહેલીવાર એક સીઝનમાં 84 મેચ રમાશે. એ જ રીતે તમામ 10 ટીમના કેપ્ટન પણ પહેલીવાર ભારતીય
ખેલાડી છે. આવતીકાલ શનિવારે પ્રથમ મેચમાં વર્તમાન ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ વિરુદ્ધ
બેટિંગ પાવર હાઉસ સનરાઇઝર્સ હૈદરાબાદની ટકકર થશે. આ સાથે જ ભાગદોડની ઘટનાને લીધે એક
વર્ષથી બંધ બેંગ્લુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમના દરવાજા પર ખુલશે. આ ઘટનામાં 11 લોકોના જીવ ગયા હતા. તેમની
યાદમાં આ વખતે આઇપીએલનો ઉદ્ઘાટન સમારંભ યોજાશે નહીં. આ ઉપરાંત ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં
દરેક મેચ વખતે 11 સીટ ખાલી રહેશે. વર્તમાન ચેમ્પિયન આરસીબી પર ખિતાબ બચાવવાનું દબાણ
રહેશે. તો મુંબઇ ઇન્ડિયન્સ ખિતાબની પ્રબળ દાવેદાર છે. અહીં સૂર્યકુમાર નહીં હાર્દિક
એમઆઇનું સુકાન સંભાળશે. આ ઉપરાંત ગત સીઝનની રનર્સઅપ ટીમ પંજાબ કિંગ્સ અને ધોનીની ટીમ
ચેન્નાઇ સુપર કિંગ્સ પણ ખિતાબ માટે પ્રબળ દાવેદાર છે. લખનઉ સુપર જાયન્ટરસ, કોલકતા નાઇટ રાઇડર્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ, દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ
માટે કપરા ચઢાણ છે. જો કે લીગ ક્રિકેટમાં કોઇ ટીમને ઓછી આંકી શકાય નહીં. આથી ઉલટફેર
વારંવાર જોવા મળશે. આઇપીએલની 19મી સીઝનની સાંજની મેચ 7-30થી શરૂ થશે. જયારે ડબલ હેડર હશે ત્યારે બપોરની મેચ 3-30થી શરૂ થશે. તમામ મેચનું લાઇવ
ટેલિકાસ્ટર સ્ટાર સ્પોર્ટસની વિવિધ ટીવી ચેનલ પર થશે જ્યારે લાઇવ સ્ટ્રીમિંગ જિયોહોટસ્ટાર
પ્લેટફોર્મ પર થશે.